if (window.top.location.href !== window.self.location.href && !window.top.location.href.startsWith('https://mail.swargarohan.com/')) { window.top.location.href = window.self.location.href; }

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

મહર્ષિની સમાધિનું સ્થાન એમના સ્થૂલ શરીરના સંસ્પર્શથી પાવન બની ગયું. એ સ્થાન સાચેસાચ સૌભાગ્યશાળી ને વિલક્ષણ હતું. એ સ્થાનમાં એ મહાપુરૂષ ઈ.સ. ૧૯૩૮ સુધી ભોજન કરતા. સમાધિનું નિર્માણ થવાથી એ સ્થાન વિશેષ મહિમાન્વિત તથા પ્રસિદ્ધ બની ગયું. ત્યાં બે વાર સેવાપૂજા કરવામાં આવે છે ને સુસંસ્કારસંપન્ન સ્ત્રી પુરૂષોને આજે પણ એમની અનુગ્રહયુક્ત શાંતિકારક પ્રેરણાપ્રદાયક સૂક્ષ્મ સંનિધિનો અનુભવ થઈ રહે છે.

મહર્ષિની મહાસમાધિ પછી એમના નાના ભાઈ નિરંજનાનંદ સ્વામીએ મનને બનતું મજબૂત રાખીને આશ્રમનું સમગ્ર સંચાલન સંભાળી લીધું. એમના અંતરનો મહર્ષિ માટેનો અનુરાગ અવર્ણનીય હતો. એમને મહર્ષિના વિયોગથી ભારે વ્યથા થઈ. તો પણ એમણે આશ્રમની સેવા ચાલુ રાખી. એમનું સ્વાસ્થ્ય બગડવા લાગ્યું. મહર્ષિના અમૂલખ જીવનકાર્યમાં મદદરૂપ થવાનું પોતાનું કર્તવ્ય હવે પૂરું થવાની તૈયારીમાં છે એવું જાણી લઈને એમણે એમના સુપુત્ર શ્રી ટી. એન. વેંકટરામનને તા. ૨૮ જાન્યુઆરી ૧૯૫૩ને દિવસે પોતાની પાસે બોલાવીને ભક્તો, કાર્યકરો અને કુટુંબીજનોની ઉપસ્થિતિમાં કહ્યું :

 ‘હું નિર્દોષ અંતરાત્મા સાથે પવિત્રતાપૂર્વક વિદાય થઉં છું. આશ્રમના ફંડમાંથી મેં મારા અંગત લાભને માટે એક પૈસો પણ નથી વાપર્યો. અહીંનું સર્વ કાંઈ ભગવાનની માલિકીનું છે. એને જાગૃતિ ને સાવધાનીપૂર્વક સાચવવાનું છે. ઈશ્વરની સેવામાં મન મૂકીને લાગી જજો. બદલામાં એ તમારા પર કૃપા વરસાવશે. જેવી રીતે મારા સમસ્ત જીવન દરમિયાન મેં કર્યુ છે તેવી રીતે, આ આશ્રમના સંચાલનમાં આપણી પૂજનીય પ્રાચીન પરંપરાનું પ્રેમપૂર્વક પ્રામાણિક રીતે પાલન કરજો.’ કેટલી બધી ઉદાત્ત ભાવના ને વિચારધારા !

આશ્રમના ભક્તોના વેદપાઠની વચ્ચે તા. ૨૯ જાન્યુઆરીએ ગુરૂવારે રાતે ૧૧।। વાગે એમણે શાંતિપૂર્વક શરીર છોડી દીધું. એમના શરીરને એમણે પોતે તૈયાર કરેલી અને એમને અત્યંત પ્રિય નાળિયેરીની વાડીમાં, માતા અલઘમ્માના સમાધિમંદિરની સમાંતર દિશામાં સમાધિ આપવામાં આવી.

ઈ.સ. ૧૯૫૩ની પહેલી ફેબ્રુઆરીએ એમના સુપુત્ર શ્રી ટી.એન.વેંકટરામનને આશ્રમના મેનેજર તથા રમણાશ્રમ મેનેજિંગ કમિટિના આજીવન પ્રમુખ તરીકે પસંદ કરવામાં આવ્યા.

મહર્ષિની બેન અમ્માલ અથવા અથાઈનું શરીર એ પછી બે જ દિવસે એટલે કે ત્રીજી જાન્યુઆરીએ સવારે ૮।। વાગે છ મહિનાની માંદગી પછી છૂટી ગયું.

ઈ.સ.૧૯૬૭માં લાંબા વખતના પરિશ્રમ પછી ફંડ એકઠું કરીને મહર્ષિના સુદંર સર્વોપયોગી સમાધિસ્થાનનું નવનિર્માણ કરવામાં આવ્યું.

* * *          * * *          * * *          * * *

ભારતના ને સમસ્ત સંસારના એ સર્વોત્તમ સંતશિરોમણિ પોતાનું સ્થૂલ શરીર છોડીને એવી રીતે વિદાય થયા. પરંતુ એ ખરેખર ક્યાં ગયા ? પોતાના પરમપ્રિય અરૂણાચલ પર્વત પર ? ત્યાંના કોઈ પૂર્વપરિચિત પ્રશાંત સ્થળવિશેષમાં અથવા એકાંત આશ્રમમાં ? કોઈક બીજા લોકમાં ગયા, પરબ્રહ્મની અંદર ભળી ગયા કે પછી આશ્રમમાં જ મળી ગયા ? એમણે જ કહેલું કે ‘હું બીજે ક્યાં જઈ શકું એમ છું ? હું તો હમેશાં અહીં જ છું.’ એ શબ્દો સાચા લાગે છે. એ એમના પ્રશંસકો તથા ભક્તોની પાસે જાય તો ભલે, બાકી બીજે ક્યાંય જઈ શકે તેમ નથી. એમના આશ્રમમાં પ્રવેશ કરતાં એની પ્રતીતિ થાય છે. ફૂલ જાય છે, ખરી પડે છે, પરંતુ ફૂલની ફોરમ નથી જતી કે નથી મરતી, તેમ એમની શક્તિ પણ હજુ કામ કરી રહી છે. એ શાશ્વત છે. લગભગ ઈ.સ. ૧૯૬૦માં મેં આશ્રમની મુલાકાત લીધી ત્યારે એમાં કશો સંદેહ ના રહ્યો. હોલમાં એમના કોચની સામે બેસીને મેં ધ્યાન કર્યું ત્યારે એમ લાગ્યું કે એ હજુ અહીં જ છે, અહીંના કણકણમાં, અણુપરમાણુમાં પ્રસરી રહ્યા છે, ભક્તો તથા દર્શનાર્થીઓને મદદ કરી રહ્યા છે. આજે અને ભવિષ્યમાં પણ જે હૃદયને ખુલ્લું રાખીને ત્યાં જશે એમને એવો અનુભવ થશે અને અસાધારણ લાભ મળશે. મહર્ષિ ગયા છે ? ના. હજુ છે. ફક્ત મોટા ભાગના માનવોને એ દેખાતા નથી એટલું જ બાકી છે, અમર છે અને એમનું કાર્ય કરી રહ્યા છે.

* * *          * * *          * * *          * * *

અંતર અનુરાગપૂર્ણ આદરભાવથી આપ્લાવિત બનીને બોલી ઊઠે છે :

ભગવાન રમણ મહર્ષિની જય !

આધ્યાત્મિક જગતના જાજ્વલ્યમાન જ્યોતિર્ધરની જય !

 

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.