જગતમાં જન્મીને માનવ જુદા જુદા કેટલાય ક્રમમાંથી પસાર થાય છે એની અવસ્થા કાયમને માટે એકસરખી નથી રહેતી. એ કર્મના ગૂઢ રહસ્યમય સંસ્કારોથી પ્રેરાઈને અનેક અવનવા અભિનયો કર્યા કરે છે, અજ્ઞાતકાળથી એકધારી ચાલી આવતી જીવનયાત્રાને આગળ વધારે છે, પોતાને ફાળે આવેલો પાઠ ઈચ્છા કે અનિચ્છાપૂર્વક, હર્ષ કે શોકસહિત ભજવી બતાવે છે, અને એક દિવસ જીવનના વિશાળ રંગમંચને મૂકીને કામચલાઉ રીતે વિદાય થાય છે. સંસારનું ચક્ર એવી રીતે અનંતકાળથી ચાલ્યા કરે છે. મહર્ષિ જગતમાં જન્મીને જ્યોતિર્મય બની ગયા. એમણે પોતાના જીવનને સુખશાંતિમય બનાવવાની સાથે બીજા અનેકનાં જીવનને સુખશાંતિથી સભર કર્યાં ને પ્રકાશથી પરિપ્લાવિત બનાવ્યાં. એમનું જીવન જગતના જાજ્વલ્યમાન જ્યોતિર્ધરનું, પરમાત્માના પરમ પ્રતિનિધિનું જીવન હતું. ભારતવર્ષની સર્વોપયોગી સંસ્કૃતિ તથા ધર્મ ને સાધનાની સનાતન ધારા એમના રૂપે સાકાર બનેલી. એ મહાપુરૂષ ચિરકાળથી જ જાગ્રત હોવા છતાં કિશોરાવસ્થામાં જ જાગેલા દેખાયા, એ પછી ઊછળતા યૌવનકાળ દરમિયાન જ સાધનાપરાયણ બનીને પોતાના વ્યક્તિત્વના નવનિર્માણમાં લાગી ગયા, અને વરસોના એકધારા મૌનવ્રત, તપ અથવા આત્મસાધનારત એકાંતવાસ પછી બીજા અસંખ્યને માટે એમના અંતરંગ અનુભવોના આધાર પર આશીર્વાદરૂપ બન્યા. એમના બહુમૂલ્ય જીવનના એ અગત્યના ત્રણ તબક્કામાંના છેલ્લા તબક્કામાં તો એમના નામ તથા કામની અસર વિશ્વવ્યાપી બની ગઈ. એમણે ભારતના ગૌરવને સારા પ્રમાણમાં વધાર્યુ અને અમર બનાવ્યું.
એમનો જીવનકાળ ભારતીય જીવનમાં અગત્યનો કાળ હતો. ભારતના ઈતિહાસમાં એ દરમિયાન અનેક અગત્યના શકવર્તી બનાવો બનવા લાગેલા. સૌથી મોટો બનાવ ભારતની રાષ્ટ્રીય અસ્મિતાના અભ્યુત્થાનનો હતો. ભારતના તથા સમસ્ત સંસારના વર્તમાનકાળના ને સર્વકાળના સર્વોત્તમ જયોતિર્ધર મહાત્મા ગાંધીજીના પ્રાણવાન પ્રભાવથી સમસ્ત રાષ્ટ્રમાં એક અભિનવ ચેતનાનો સંચાર થયેલો. રાષ્ટ્રના સુદીર્ઘકાળથી સુષુપ્તિદશામાં પડેલા આત્માનો ઉદય સહજ બનેલો. એ આત્માએ એક બનીને એમના પથપ્રદર્શન પ્રમાણે રાષ્ટ્રના સર્વદેશીય અભ્યુદય તેમ જ સ્વાતંત્ર્યની સિદ્ધિ સારુ સાધના શરૂ કરેલી અને એ સાધનાને ક્રમેક્રમે સફળતા પણ સાંપડવા માંડેલી. ઈ.સ. ૧૯૪૭માં રાષ્ટ્રીય સ્વાતંત્ર્યની પ્રાપ્તિ પછી ઈ.સ.૧૯૪૮માં એ મહાન જ્યોતિર્ધરે મહાપ્રયાણ કર્યું.
મહર્ષિના આશ્રમથી થોડે દૂર પોંડીચેરીમાં ભારતીય સંસ્કૃતિના એક બીજા એવા જ જાજલ્યમાન જ્યોતિર્ધર પોતાની એકાંતિક સાધનામાં વરસોથી મગ્ન બનીને વિકાસના ક્ષેત્રમાં આગળ વધતા જતા’તા. એ પણ ભારતનું ગૌરવ બનીને એની યશપતાકાને ભારતમાં ને ભારતની બહારના દેશોમાં ફરકાવી રહેલા. એ બંને મહાપુરૂષોએ સ્થૂલ રીતે મળ્યા ના હોવા છતાં માનવતાના મંગલ માટેના મહાયજ્ઞો માંડેલા.
મહાત્મા ગાંધીજીના સ્થૂલ જીવન પર પરમાત્માનિર્મિત પડદો પડ્યો એ અરસામાં મહર્ષિના એકસરખા ચાલતા જીવનમાં થોડોક નોંધપાત્ર ફેરફાર થયો. એ ફેરફાર આવકારદાયક અથવા ઉત્સાહવર્ધક ન હતો. એમનું સ્વાસ્થ્ય અચાનક બગડ્યું.
મહાભૂતેશ્વર મંદિરની બાજુમાં મહર્ષિને માટે એક બીજો દર્શન હોલ તૈયાર કરાવવામાં આવ્યો. એમાં પહેલાંના હોલ કરતાં વધારે દર્શનાર્થીઓ સમાઈ શકે તેમ હતા. એ દર્શન હોલનું ઉદઘાટન ઈ.સ.૧૯૪૯ના જૂનની પહેલીએ કરવામાં આવ્યું. પરંતુ મહર્ષિને માટે એનો અધિક ઉપયોગ કરવાનું નહોતું નિર્માયેલું. આશ્રમના સંચાલકો અને આશ્રમવાસીઓને શી ખબર કે મહર્ષિની ઉપસ્થિતિમાં થનારું એ અંતિમ ઉદઘાટન છે અને હવે એ બહુ લાંબા વખત લગી નથી રહેવાના ? એ પછી જ એમની તબિયત વધારે બગડવા લાગી.
* * * * * * * * * * * *
રમણ મહર્ષિ જેવા આત્મનિષ્ઠ મહાપુરૂષો શારીરિક પીડાથી પીડિત કે વિચલિત થાય છે ખરા ? ના. કોઈ કારણે એમના જીવનમાં શારીરિક કષ્ટ દેખાય તો પણ એના પરિણામે પેદા થનારા માનસિક કષ્ટથી એ સર્વથા મુક્ત હોય છે. એથી એ લેશ પણ પ્રભાવિત નથી થતા. એ આત્મરત તથા પોતાની પ્રકૃતિ પર પૂર્ણ અધિકાર ધરાવતા હોવાથી શરીરની અસરોથી અલિપ્ત રહે છે. મહર્ષિના જીવન પરથી એની પરિપૂર્ણ પ્રતીતિ થઈ શકી. એ ધારે તો શારીરિક કષ્ટો કે વ્યાધિઓને મટાડી શકે પણ ખરા. પરંતુ એવા મહાત્મા પુરૂષોનું ધ્યાન શરીર તરફ ઘણું ઓછું હોય છે––બિલકુલ નથી હોતું એવું કહીએ તો ચાલે. એ આત્માની સર્વશ્રેષ્ઠ સત્તામાં સ્થિતિ કરતા હોવાથી શરીરના મોહથી તદ્દન મુક્ત હોય છે ને શરીરને લાંબો વખત રાખવાની લાલસા નથી રાખતા, કારણ કે એમનું જીવન કેવળ શરીર પૂરતું જ સીમિત નથી. હોતું. એ આત્માના અમર જીવનની અનુભૂતિ કરીને એમાં પ્રતિષ્ઠિત થઈ ચૂક્યા હોય છે.
ઈ.સ. ૧૯૪૯ તથા ૧૯૫૦નાં વરસો દરમિયાન મહર્ષિની શારીરિક પીડા બાહ્ય રીતે ને સ્થૂલ દૃષ્ટિએ જોતાં પરિસીમા પર પહોંચી. એને જોઈને ભક્તો તથા પ્રશંસકોની ચિંતા વેદના કે પીડાનો પાર ના રહ્યો તો પણ મહર્ષિ શાંત જ રહ્યા. દર્દ જાણે એમના જીવનની સમસ્ત સાધના, તપશ્ચર્યા, ફિલસૂફી તથા નિષ્ઠાની પૂરેપૂરી પરીક્ષા કરવા આવ્યું હોય તેમ ઉત્તરોત્તર વધવા લાગ્યું ને છેવટ સુધી નિર્મૂલ ના થયું તો પણ એ મહામાનવની વૃત્તિ ડગી નહિ, નિષ્ઠા મટી નહિ, અને એમની સ્વસ્થતા તેમ જ શાંતિ પણ એવી જ અચળ રહી. એમનું આત્મબળ અનોખું હતું. એણે એમનો એ પ્રતિકૂળ પરિસ્થિતિમાં પણ ત્યાગ ના કર્યો.
એટલી બધી શારીરિક પીડા હોવા છતાં છેવટ સુધી એમણે એની લેશ પણ ફરિયાદ ના કરી. એના વિરોધમાં એક શબ્દ પણ ના ઉચ્ચાર્યો, અને એ પીડાનો પ્રતિકૂળ પ્રભાવ પણ એમના પર ના પડ્યો. જીવનમાં અંતિમ સમયે આવી પડેલી આકરી અગ્નિપરીક્ષામાંથી એ કોઈ પણ પ્રકારના બડબડાટ, પોકાર કે ચિત્કાર વિના સહીસલામત રીતે શાંતિ અને પ્રસન્નતાપૂર્વક પસાર થયા. એ બધું વિચારતાં આપણને એમને માટે અભૂતપૂર્વ આદરભાવ પેદા થાય છે. શરીર માત્ર આવરણ છે અને એની અંદર રહેલો અમૃતમય આત્મા અલગ છે : એની અનુભૂતિ કરી લેનાર સમસ્ત પ્રકારનાં સુખદુઃખથી, ભયથી, શોકથી ને મોહથી મુક્તિ મેળવે છે : એ ઉપનિષદવચનને એમણે એમના જીવન દ્વારા સાર્થક કર્યું. એમનું જ્યોતિર્મય જીવન એને માટેનું પરમ પ્રામાણિક પ્રખર પ્રમાણપત્ર ઠર્યું.
* * * * * * * * * * * *
એમના જીવનના એ કષ્ટમય અંતિમ દિવસોનું ઊડતું અવલોકન કરી લઈએ એ આવશ્યક છે.
એ દિવસોમાં એ એમની અલૌકિકતાને એવી જ અક્ષય રાખીને શાંતિ ને પ્રસન્નતાપૂર્વક સઘળું સાક્ષીભાવે જોતા કે સહન કરતા રહ્યા, પરંતુ ભક્તોના જીવનનો એ આકરો કસોટીકાળ થઈ પડ્યો. એમનાં મન ચિંતા ને વ્યથાથી ચલિત બનતાં રહ્યાં. સુખ અને દુઃખની, ઉત્સાહ અને અનુત્સાહની, ધીરજ અને અધીરતાની અને આશા તથા નિરાશાની, સંમિશ્રિત વિરોધાભાસી લાગણીઓ એની અંદર ઉત્પન્ન થતી ને શમતી રહી. એ કશું ચોક્કસ કરી શક્યા નહિ. મહર્ષિની માવજતના બનતા બધા જ પ્રયોગો એમણે વારાફરતી કરવા માંડ્યા. પરંતુ પરિસ્થિતિ કાબૂની બહાર જઈ રહી છે ને કોઈ ઉપાયે સુધરી શકે તેમ નથી એવું લાગ્યું ત્યારે એ એકદમ નિરાશ બની ગયા. એમને થયું કે મહર્ષિ હવે નહિ બચી શકે, સિવાય કે એ પોતે જ પરિસ્થિતિની ગંભીરતાને જાણીને કોઈ ચમત્કાર કરી બતાવે : પરંતુ એવો ચમત્કાર કરવામાં એમને રસ જ ક્યાં છે ?
એ બઘી પરિસ્થિતિઓને સમ્યક્ રીતે સમજવા માટે આપણે મહર્ષિના જીવનના એ અંતિમ દિવસોના ઈતિહાસનું અવલોકન કરી લઈએ.
ઈ.સ.૧૯૪૮ના નવેમ્બરમાં એ મહાપુરૂષના શરીરમાં એક નવો વ્યાધિ પેદા થયો. દેખીતી રીતે શરૂઆતમાં એ નાનો હોવા છતાં ઘણી મોટી ભયંકર શક્યતાઓથી ભરેલો હતો. એ વખતે એની ભાવિ સંભાવનાની ખબર કોઈને ના પડી તો પણ ક્રમેક્રમે એણે પોતાનું પોત પ્રકાશવા માંડ્યું. એમના ડાબા હાથ પર કોણી પર આરંભમાં એકાએક એમના શરીરનાં અંદરનાં તત્વોની વિક્રિયારૂપે, એક નાનીસરખી સોપારી જેવી ફોડકી દેખાઈ. પહેલાં તો એ થોડા જ વખતમાં મટી જશે એવું માનીને એના તરફ દુર્લક્ષ કરવામાં આવ્યું, પરંતુ ધીમે ધીમે એ વધતી ગઈ અને ફેબ્રુઆરી ૧૯૪૯ સુધીમાં તો એમાંથી નારંગી જેવું મોટું ગૂમડું થયું. એને અડવાથી દુઃખાવો થવા લાગ્યો.
નવમી ફેબ્રુઆરી ૧૯૪૯ને દિવસે આશ્રમના દવાખાનાના દાક્તરે એક બીજા ભક્તદાક્તરની મદદથી એને દૂર કરવાનો નિર્ણય કર્યો. એ નિર્ણયને અનુસરીને એનું ઓપરેશન કરવામાં આવ્યું. એ ઘાને રુઝાતાં લગભગ દસ દિવસ લાગી ગયા. સૌને થયું કે મહર્ષિના શરીરની આફત ટળી ગઈ. મહર્ષિના મુખમંડળ પર કોઈ પણ પ્રકારની પીડાની અસર ના દેખાઈ એટલે લાગતાવળગતા સૌએ રાહતનો શ્વાસ લીધો.

