આશ્રમમાં જેક(બીજો) પણ રહેતો. એનામાં ને બીજા કૂતરાઓમાં બહારથી જોતાં કોઈ ખાસ ફેર નહોતો દેખાતો; પરંતુ એનું મૃત્યુ અનોખી રીતે થયેલું. ઈ.સ. ૧૯૩૩ની મકરસંક્રાંતિના વીસ દિવસ પહેલાં એ બિમાર પડ્યો. એના કેટલાક વખત પહેલાં એ અન્નને ના અડતો હોવાથી એને એકલું દૂધ આપવામાં આવતું. માંદા કૂતરાના દેહમાંથી નીકળતી દુર્ગંધ જેવી દુર્ગંધ એના દેહમાંથી નહોતી નીકળતી. એની અસ્વસ્થ દશા દેખીને એનો અંતકાળ સમીપ હોવા વિશે કોઈને કશી શંકા ના રહી. સંક્રાંતિની શાંત રાતે કોઈપણ પ્રકારની પીડા અથવા વેદના વિના એનું શરીર છૂટી ગયું.
મહર્ષિએ એની શાંતિને જોઈને એને અંજલિ આપતાં જણાવ્યું કે મૃત્યુ સમયે એનો વ્યવહાર પરમજ્ઞાની ને યોગી ભીષ્મ પિતામહ જેવો જ હતો. એના ઉપરથી એના આત્માની અસાધારણતાનો ખ્યાલ આવે છે.
જેક બીજાના મૃત્યુ પછી મહર્ષિની સૂચનાનુસાર આશ્રમવાસીઓએ આશ્રમની ઉત્તર તરફ એની સમાધિ તૈયાર કરી. મહર્ષિ મૃત્યુ પછી પણ મનુષ્યેતર પ્રાણીઓ સાથે મનુષ્યો જેવો જ વ્યવહાર કરાવતા. એમની પાછળ મનુષ્યોની ક્રિયાઓ જેવી જ ક્રિયાઓ કરવાનો આગ્રહ રખાતો. સઘળાં મનુષ્યેતર પ્રાણીઓને સારી પેઠે વિધિપૂર્વક સમાધિ આપવામાં આવતી.
જેક બીજો કમળાના છેલ્લા સંતાનરૂપ હોવાથી એના મૃત્યુની સાથે કમળાનો વંશવેલો સમાપ્તિ પર પહોંચી ગયો.
* * * * * * * * * * * *
પ્રાચીન કાળના પ્રાતઃસ્મરણીય ઋષિમુનિઓના શાંત સુંદર પવિત્ર વાયુમંડળવાળા આશ્રમોમાં મૃગ પણ જોવા મળતાં. કેટલાક ધર્મગ્રંથોમાં વર્ણવ્યા પ્રમાણે મૃગ અને વાઘસિંહ પારસ્પરિક વેર તેમજ હિંસાભાવને ભૂલી જઈને એક સાથે રહેતાં, બેસતા, હરતાં ફરતાં ને પાણી પીતા. એ દૃશ્યો એમના અસાધારણ આત્મસંયમ અને સર્વાત્મભાવનાં સૂચક હતાં.
મહર્ષિના આશ્રમમાં એક નાની સરખી મૃગલી હતી. એને લીધે એમની આશ્રમની શોભામાં વધારો થતો. એનુ નામ વલ્લી હતું,
જુદા જુદા જીવોના સંબંઘમાં બને છે તેમ વલ્લી પણ એના મહર્ષિ સાથેના કોઈક સુંદર પૂર્વસંસ્કારોના અનુસંધાનમાં જ આશ્રમમાં આવી પહોંચેલી. તિરુવણ્ણામલૈમાં રહેતા ને દીવાસળી બનાવવાની પ્રવૃત્તિમાં પડેલા એક વૈજ્ઞાનિક તરફથી એ આશ્રમને ઉપહારમાં મળેલી.
આશ્રમવાસીઓ એને ખૂબ જ પ્રેમથી જોતા ને ઉછેરતા. એણે એમનાં મનને મુગ્ધ કરેલાં.
આશ્રમના આંગણામાં એ કોઈ પણ પ્રકારના સંકોચ, ભય કે અંતરાય વિના ફર્યા કરતી.
એને લીધે વાતાવરણ સુંદર લાગતું ને પ્રાચીન કાળના વેદ તથા ઉપનિષદકાલીન ઋષિવરોનું સ્મરણ કરાવતું.
એને જનસમૂહનો જરા પણ ભય નહોતો લાગતો.
મહર્ષિ એને જોઈને આનંદ પામતા અને એ પણ એમના દર્શનસહવાસથી પ્રસન્ન થતી ને જીવનને ઉત્સવની જેમ વ્યતીત કરતી.
એ ગોવાળો તથા ઘેટાંબકરાંવાળા સાથે ગાયો, બકરીઓ ને ઘેઠાંના સમૂહમાં બહાર નીકળતી ને ક્રીડા કરતી. બકરીઓ એને પોતાનું દૂધ પીવા દેતી. એને જાણે કે સૌની સાથે મિત્રતા થયેલી.
પરંતુ એના જીવનનો અંત કરુણ રીતે આવી ગયો.
વાત એમ બની કે એકવાર એ ઉત્સાહમાં ને ઉત્સાહમાં ઠેકડા મારતી આશ્રમથી લગભગ ત્રણ માઈલ દૂર પહોચી ગઈ. ત્યાં કોઈએ એના પગ પર ખૂબ જ જોરથી ડાંગ મારી. એને માટે એ પ્રહાર મરણતોલ બની ગયો. એથી એનો પગ તૂટી ગયો. પેલો નિર્દય માણસ એને ઉપરાઉપરી ફટકા મારીને ત્યાં જ મારી નાખત! પરંતુ વલ્લીના સદભાગ્યે કોઈએ એને ઓળખી લીધી અને ઉગારીને સંભાળપૂર્વક આશ્રમમાં પહોંચાડી. એની દુર્દશા દેખીને સૌ દુઃખી થયાં. સૌના હૃદય રડવા માંડ્યાં.
પશુચિકિત્સકો પાસે એની ચિકિત્સા કરાવવામાં આવી તો પણ એનું જીવન ના બચી શક્યું. આશ્રમના પ્રશાંત પવિત્ર પરમાણુઓ વચ્ચે એણે છેલ્લો શ્વાસ લીધો.
એના શરીરને આશ્રમની ઉત્તર તરફ દાટવામાં આવ્યું.
* * * * * * * * * * * *
મહર્ષિના આશ્રમમાં આવેલાં અને એમના સ્વર્ગીય સંસર્ગમાં રહેલાં પ્રાણીઓનો ઈતિહાસ અત્યંત રસપૂર્ણ છે. એ બધાનું સવિસ્તર વર્ણન કરવાનું કદાચ અનાવશ્યક લેખાય, પરંતુ એમાંના એકના ઉલ્લેખ સિવાય એ વિવરણ અધૂરું જ રહી જાય. એ ઉલ્લેખ લક્ષ્મીનો છે. લક્ષ્મી આગળ પર કહેવાયું છે તેમ એક ગાય હતી.
નાસ્તાના તથા ભોજનના સમયે લક્ષ્મી સીધી હોલમાં પહોંચી જતી ને મહર્ષિ આગળ ઊભી રહેતી. મહર્ષિ એના શરીરે સ્નેહથી હાથ ફેરવતા અને રસોડાના માણસોને એને ખવડાવવાનો આદેશ આપતા.
કોઈ વાર એ કોઈક દર્શનાર્થીના હાથમાંથી કેળાંનું લૂમખું લઈને ચાલી નીકળતી ત્યારે કોઈ આશ્રમવાસીઓ એને મારવાની ધમકી આપતાં. એવે વખતે મહર્ષિ એનો પક્ષ લઈને એનો બચાવ કરતા. એ ફળફૂલ કે શાકભાજીના બગીચામાં પેસી જતી ત્યારે કોઈ એને ધમકાવતું કે એની સાથે દુર્વ્યવહાર કરતું તો પણ એ જરા પણ પસંદ ના કરતા ને કહેતા કે એમાં લક્ષ્મીની નહિ પરંતુ તમારી ભૂલ છે. તમારે તમારી જમીનની સુરક્ષા માટે વાડ કરવી જોઈએ.
મંગલ મહોત્સવ અથવા પર્વદિવસ પર એનું ખાસ ધ્યાન રખાતું. એને સંભાળપૂર્વક સારી રીતે સ્નાન કરાવાતું, બીજી રીતે શણગારવામાં આવતી અને ફૂલની માળાઓ પહેરાવાતી.
મહર્ષિ એની ઉપર પિતાતુલ્ય પ્રેમ રાખતા. એ એને પોતાને હાથે ફળ ખવડાવતા ત્યારે એ ઊંડી કૃતાર્થતાનો અનુભવ કરતી. એ ફળમાં એને સ્વર્ગીય સ્વાદ લાગતો. પરમતૃપ્તિના ભાવમાં ડૂબીને એ આંખ મીંચી લેતી. એ વખતનું દૃશ્ય અત્યંત આનંદદાયક અને અદ્દભુત હતું. એ પૂરેપૂરી તૃપ્તિ ના થતી ત્યાં સુધી ખાતી જ રહેતી. મહર્ષિના પરમપવિત્ર સ્નેહ અને સેવાભાવથી પુલકિત ને પ્રસન્ન બનીને એ એમના શરીરને ચાટવા લાગતી. એના ચાટવાથી એમનું શરીર લાલ થઈ જતું પણ એ શાંતિપૂર્વક સહન કરતાં.
કોઈવાર પોતાના પૂર્વસમયની સ્મૃતિ થઈ આવતી હોય તેમ એ મહર્ષિ પાસે મંત્રમુગ્ધ બનીને લાગણીવશ થઈને ઊભી રહેતી. એ વખતે એના સંવેદનશીલ અંતરમાંથી આર્વિભાવ પામતાં આંસુ એની આંખમાંથી ટપકવા માંડતાં. મહર્ષિ એની તરફ સહાનુભૂતિથી જોતા અને એના શરીરે હાથ ફેરવતાં એને આશ્વાસન આપતા. સાંજનો સમય થતો ત્યારે એ છૂટી પડતી. વખતના વીતવા સાથે એને માટે આશ્રમમાં બનાવેલી ગોશાળામાં જ એ રહેવા લાગી.
ઈ.સ. ૧૯૩૫થી લક્ષ્મી આશ્રમની કાયમી સદસ્યા બની ગઈ. એણે આશ્રમને બીજી કેટલીય ગાયો પ્રદાન કરી. ઈ.સ. ૧૯૪૮ના જૂનની અઢારમીએ એનું મૃત્યુ થયું ત્યાં સુધી એ આશ્રમને સંપૂર્ણપણે વફાદાર રહીને સૌની શક્તિ તથા સંજોગો પ્રમાણે સેવા કરતી રહી. એના મૃત્યુ પછી આશ્રમમાં ભોજનશાળાની સામે જ એની સમાધિ કરવામાં આવી. એની ઉપર એની નાનીસરખી મૂર્તિ મુકાઈ. એ મૂર્તિ અને સમાધિ આજે પણ જોઈ શકાય છે. એ સમાધિ પર મહર્ષિએ એને માટે પસંદ કરેલા સુંદર શબ્દો અંકિત કરવામાં આવ્યા છે ને જણાવવામાં આવ્યું છે કે લક્ષ્મી નામની આ ગાય મહર્ષિને પ્રિય હતી ને મહર્ષિ એનું દૂધ પીતા. મહર્ષિએ એમાં એનો એક મુક્તાત્મા તરીકે ઉલ્લેખ કર્યો છે એથી અધિક આદરયુક્ત અનુરાગપૂર્ણ અંજલિ બીજી કયી હોઈ શકે ? લક્ષ્મીનું જીવન ને મરણ એ અસાધારણ અંજલિથી ધન્ય બની ગયું એમાં શંકા નથી.
કયા આત્માઓ પોતાના અનંત જીવનના પુણ્યપ્રવાસમાં કેવાં કેવાં શરીરો ધારીને ક્યાં ક્યાં રહે છે તેની ખબર સામાન્ય માનવને ક્યાંથી પડે ? એ હકીકત તો મહર્ષિ જેવા એકાદ મહામાનવ જ જાણી શકે. લક્ષ્મીના શરીરમાં રહેલા આત્માના અસાધારણ સંસ્કારોને મહર્ષિ પહેલીથી જ જાણી ચૂકેલા હોવાથી એ એના પ્રત્યે વિશેષ પ્રેમ રાખતા. એમણે આશ્રમના ભક્તો તથા જિજ્ઞાસુઓની આગળ લક્ષ્મીના જન્માંતરનું રહસ્યોદઘાટન પણ કરેલું.
મહર્ષિએ ઈ.સ. ૧૯૦૦માં અરૂણાચલ પર રહેવાનો આરંભ કર્યો ત્યારે એક ભક્તિભાવવાળી વૃદ્ધ સ્ત્રી એમને માટે ભિક્ષાન્ન તથા શાકભાજી એકઠી કરીને સુંદર રસોઈ બનાવીને એમને પહોંચાડતી. એમની સેવા એ વૃદ્ધાનો પ્રિય વ્યવસાય બની ગયેલો. એ એમની પાસે આવીને અત્યંત આગ્રહપૂર્વક પ્રેમભાવે જમાડતી. કોઈ કોઈ વાર એની શ્રદ્ધાભક્તિની કદર કરીને મહર્ષિ પોતે અરૂણાચલની તળેટીમાં આવેલા એના ઘરમાં પહોંચી જતા ને એને શાક સમારવાના ને બીજા કામમાં મદદ કરતા. એ વૃદ્ધા એમના પ્રત્યે માતા જેવો પ્રેમ રાખતી. એના દેહત્યાગ પછી એની ઉત્તરક્રિયા રમણાશ્રમની પાસે જ કરવામાં આવેલી. કોઈ સાત્વિક સેવાસંસ્કાર શેષ રહેવાથી એ વૃદ્ધા લક્ષ્મી ગાયના રૂપમાં એમની સેવા કરીને કૃતાર્થ થવા માટે પાછી આવેલી. મહર્ષિએ એને એમની અલૌકિક દૃષ્ટિથી ઓળખી કાઢેલી.
* * * * * * * * * * * *
મહર્ષિના આશ્રમમાં સાપ અને વીંછીને મારવાની છૂટ નહોતી આપવામાં આવતી. કોઈવાર રાતે છાપરા પરથી સાપ પડતો એવે વખતે આશ્રમના પરિચારકને પોતાનું કર્તવ્યપાલન કરતાં એની પાછળ ફાનસ રાખીને એને બહાર કાઢવો પડતો. ફાનસ સાપની પાછળ રાખવું પડતું કારણ કે આગળ રાખવાથી એ એના તેજથી અંજાઈ કે ગભરાઈ જાય. એમના આદર્શ પરિચારક માધવન વીંછીને ડંખ ના મારે એવી રીતે પાછળથી પકડીને દૂર નાખી આવવાની કળામાં કુશળ હતા.
એમને વાંદરા પર વધારે પ્રેમ હતો. એ કહેતા કે એ માણસો કરતાં ઘણી રીતે સારા છે. કોઈ વાંદરાને હોલમાં એકાએક આવીને કોઈક દર્શનાર્થીના હાથમાંથી કેળાં લઈ જતો જોઈને એ વિનોદમાં આવી જતા. એ એમને ખવડાવવાની સૂચના આપતા અને આશ્રમના સંચાલકો એમના તોફાનથી રોષે ભરાતા તો પણ એમને અનેક રીતે ઉત્તેજન આપતા.
આશ્રમમાં કેટલાક મોરો પણ રહેતા, પણ બધા મોરોને ત્યાંનું વાતાવરણ ના ફાવતું. એક ગ્રામવાસી ભક્ત બે થી ત્રણવાર મોરને લાવ્યા તો પણ એ ત્યાં રહી ના શક્યા. મહર્ષિએ એમને લક્ષ્ય કરીને કહ્યું કે એ હજુ તૈયાર નથી થયા. એના પરથી લાગે છે કે બધા અથવા કેટલાક મનુષ્યેતર જીવો પણ એમના સંસર્ગમાં રહેવાની યોગ્ય ભૂમિકાવાળા નથી હોતા.
વડોદરાની રાણીએ એકવાર એમને એક સફેદ મોર ને બે સફેદ ઢેલો ભેટ આપેલી. મોર એમનો સંસર્ગ છોડીને ક્યાંય ના જતો. એ વખતે મહર્ષિ જૂના હોલમાં રહેતા. રાતે મોર ત્યાં જ સૂઈ રહેતો. મહર્ષિએ એને શાકાહારી રહેવાની ટેવ પાડેલી. એમના મહાનિર્વાણદિનની રાતે એ સૂતેલા એ ખંડના છાપરા પરથી એણે એકધારી ચીસો પાડવા માંડી. બીજા મોરો એને આશ્રમથી દૂર લઈ જતા હોવાથી થોડા વખત પછી શહેરમાં જ એનું મૃત્યુ થયું. એ કહેતા કે એમનો સમાગમ સાધવા કોઈ કોઈ ભક્તો મનુષ્યેતર પ્રાણીઓના શરીરમાં પણ પ્રકટ થાય છે. એટલા માટે પણ કોઈની ઉપેક્ષા કરવાનો ઉપદેશ એ ભૂલેચૂકે ને કદી પણ ના આપતા.

