Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

એકધારી અખંડ ઉત્સાહપૂર્વકની સાધના અથવા તપશ્ચર્યા દ્વારા મહર્ષિ આત્મસંસિદ્ધિના સ્વર્ણશિખર પર આસીન થઈને સ્થિતિપ્રજ્ઞ અથવા જીવનમુક્ત દશા પર પહોંચી ગયા. પૂર્વજન્મના પ્રખર સંસ્કારોને પરિણામે એમને એમની આત્મસાધનાની સિદ્ધિપ્રાપ્તિ માટે વધારે વખત ના લાગ્યો. આત્માની અપરોક્ષ અનુભૂતિને પરિણામે એ જીવનની પરમ ધન્યતા અને કૃતાર્થતાનો અનુભવ કરી રહ્યો. પોતાના સઘળાં દલોને ઉઘાડીને પ્રકટેલા પદ્મની પેઠે સોહી રહ્યા. પૂર્ણ ચંદ્ર જેવી રીતે પોતાનાં રમણીય રસમય રશ્મિઓ ફેલાવીને સંસારમાં સુધાસંચાર કરે છે એવી રીતે એમનાં દર્શન ને સત્સંગ અથવા સંસર્ગથી સુધા ભરવા   લાગ્યા. એમના સાધનામય જીવનની સુવાસ સુંદર સુમનની પેઠે ચારેકોર પ્રસરીને એમના સહવાસમાં આવનારા આધ્યાત્મિક અભીપ્સાયુક્ત આત્માઓના જીવનમાં ક્રાંતિ કરવા ને પ્રેરણા ભરવા લાગી. એણે કેટલાયનાં જીવન સુવાસિત કર્યાં.

મહાપુરૂષોના જીવનના સામાન્ય રીતે બે તબક્કા મનાય છે : એક એમનો વ્યક્તિગત સાધનાત્મક જીવનનો તબક્કો ને બીજો એ પૂરો થતાં પહેલાંનો કે એ પૂરો થયા પછીનો બીજાને પોતાના અનુભવના આધાર પર કામ લાગવાનો કે ઉપયોગી થવાનો સમષ્ટિગત તબક્કો. એને લોકસંગ્રહનો તબક્કો પણ કહી શકાય. મહર્ષિના જીવનનો વ્યક્તિગત સાધનાનો પ્રથમ તબક્કો પૂરો થયેલો અને હવે એમનું જીવન લોકસંગ્રહની સહજ સાધનાના બીજા મહત્વપૂર્ણ તબક્કામાં પ્રવેશેલું. જે પરમ પ્રકાશની એમણે પ્રાપ્તિ કરેલી એ પ્રકાશનો પુણ્યમય પાવન પંથ બતાવવાનું અને એથી અન્યના અંધકારાવૃત્ત જડ જીવનને આલોકિત કરવાનું મહાકાર્ય એમણે કરવાનું હતું. એ મહાકાર્યનો એમના જીવનમાં આરંભ થયો.

એ આશીર્વાદરૂપ આરંભ દરમિયાન એમની મારફત મદદ મેળવવા અને એમના એ લોકોપકારક મહાકાર્યમાં એક યા બીજી રીતે, જાણ્યે અથવા અજાણ્યે, નાના અથવા મોટા પ્રમાણમાં મદદરૂપ થવા સમય સમય પર જુદી જુદી જાતના સંસ્કારી આત્માઓ એમની પાસે આવી પહોંચ્યા. એણે એ મહાપુરૂષની કીર્તિને અરૂણાચલ પર્વત પરથી નીચે ઉતારી પાર્થિવ જગતમાં પ્રવાહિત કરીને આખરે દિગદિગંતમાં ફેલાવી દીધી. એ બધા તો કેવળ નિમિત્તરૂપ હતા અને એમની દ્વારા મહર્ષિની અને એમના પરમપિતા પરમાત્માની પરમશક્તિ અથવા યોજના જ કામ કરી રહેલી, છતાં પણ એમને એનું થોડુંક પણ શ્રેય આપીએ એમાં કશું ખોટું નથી.

મહર્ષિના સંસર્ગમાં આવેલા એવા અસાધારણ સંસ્કારસંપન્ન આત્માઓમાં ગણપતિ શાસ્ત્રીનો સમાવેશ થાય છે.

ગણપતિ શાસ્ત્રી પંડિત અથવા પંડિતના પંડિત હતા. એ અત્યંત મેઘાવી ને ઉચ્ચતમ બૌધિક પ્રતિભાથી સંપન્ન હતા. સંસ્કૃત ભાષા તથા સાહિત્ય પરનો કાબૂ અત્યંત અસાધારણ અને પ્રશસ્ય હતો. એ કવિ જ નહિ, શીઘ્રકવિ હતા અને ઉત્તમ પ્રકારના સાધક તરીકે સર્વત્ર પંકાતા. વિરૂપાક્ષી ગુફામાં રહેતા મહર્ષિની પ્રથમ મુલાકાત વખતે જ ઈ.સ. ૧૯૦૩માં એમણે મહર્ષિ તથા બીજા ભક્તોની આગળ ગણપતિના સ્તોત્રના પ્રસિદ્ધ શ્લોકની અભિનવ વ્યાખ્યા કરી બતાવીને ગણપતિ તથા મહર્ષિની સમતા કરીને એ શ્લોક મહર્ષિની સ્તુતિનો શ્લોક કેવી રીતે થઈ શકે છે તે કહી બતાવેલું. એ વખતે એ નવું અર્થઘટન સાંભળીને મહર્ષિ અને ત્યાં એકઠા થયેલા બધા ભક્તો પ્રસન્ન ને મુગ્ધ બની ગયેલા. એ વખતથી જ એ પ્રથમ પરિચયે જ એમને લાગેલું કે ગણપતિ શાસ્ત્રી એક લોકોત્તર વિદ્વાન હોવાની સાથે સરસ્વતીની પૂર્ણ કૃપાને પામી ચૂક્યા છે. એમણે બોલી બતાવેલો વિનાયકસ્તોત્રનો એ શ્લોક કેટલો બધો સારવાહી ને સુંદર હતો !

शुकलांबरधरं  विष्णुं  शशिवर्णं चतुर्भुजम् ।
प्रसन्नवदनं ध्यायेत्  सर्वविघ्नोपशान्तये ॥

એનો ભાવાર્થ આમ તો સાવ સ્પષ્ટ હતો : ‘સર્વ પ્રકારનાં વિઘ્નોની શાંતિ માટે માણસે શ્વેત વસ્ત્રધારી, સર્વવ્યાપક, ચંદ્ર જેવા ચારુ રંગ ને રૂપાળા, ચાર હાથવાળા,પ્રસન્નવદન, દેવતાનું ધ્યાન ધરવું.’    

પરંતુ એવો સીધો ને સ્પષ્ટ અર્થ કરી બતાવે તો પછી એમાં ઉત્તમ પ્રકારની પંડિતાઈ, પ્રાસાદિકતા કે કવિત્વશક્તિ ક્યાં રહી ? ગણપતિ શાસ્ત્રીની મેઘાશક્તિ સદા નવીનવી કલ્પનાઓ કરતી રહેતી અને એમાં સંતુષ્ટ બનતી હોવાથી એમણે જણાવ્યું કે આ શ્લોક વિનાયક સ્તુતિનો હોવા છતાં મહર્ષિને અત્યંત અસરકારક રીતે પરિપૂર્ણપણે લાગુ પડે છે. ભક્તોને એ ઉદગારો સાંભળીને આશ્ચર્ય થયું પરંતુ એમના આશ્ચર્યની પરવા કર્યા વિના એ આશ્ચર્યને શાંત કરતાં એમણે કહ્યું કે મહર્ષિ શ્વેત વસ્ત્ર પહેરે છે, પરમાત્મા સાથે એક્તા અનુભવ કરી ચૂક્યા હોવાથી એમની પેઠે સર્વવ્યાપક છે, મનબુદ્ધિચિત્ત અને અહંકારથી બનેલા અંતઃકરણના અધીશ્વર છે, એમના મુખમંડળ પર હમેશાં પ્રસન્નતા ટપક્યા કરે છે અને એમનું સ્મરણમનન, સાંનિધ્ય ને ધ્યાન કરવામાં આવે તો સર્વ પ્રકારનાં કષ્ટો, વિઘ્નો ને બંધનોની એમના અનુગ્રહથી નિવૃત્તિ થાય છે.

એ અભિનવ અર્થઘટનમાં એમની અદભુત બુદ્ધિમતાનું દર્શન થતું હતું તેમ મહર્ષિને માટેની અસાધારણ, સાચી, શ્રદ્ધાભક્તિ ને પૂજ્યભાવનાની પણ ઝાંખી થતી. એ જોઈને સૌને આનંદ થયો. એમની અસાધારણ બૌધિક પ્રતિભાની સૌની ઉપર છાપ પડી. એ છાપ અમીટ બનવા સરજાયેલી.

બીજે વરસે ઈ.સ. ૧૯૦૪માં કૃત્તિકાના ઉત્સવની પહેલાં અરૂણાચલેશ્વર મંદિરમાં રહીને એ મહાપંડિતે થોડાં જ સપ્તાહોમાં ભગવાન શંકરની ભાવમય દિવ્ય સ્તુતિના એક સહસ્ત્ર શ્લોકોની રચના કરી. એ સ્તુતિ અથવા શિવસાહસ્ત્રી બોલીને એમણે જ્યારે અત્યંત પ્રેમપૂર્વક મહર્ષિને શિવસ્વરૂપ માનીને આદરપૂર્વક અંજલિ આપી ત્યારે પણ ભક્તો એ સાંભળી મંત્રમુગ્ધ  બની ગયા. એમની કાવ્યશક્તિ ઉત્તમ કોટિની ને સ્વયંભૂ હતી. શ્રોતાજનોને એમના સંબંધી વિશેષ માહિતી મેળવવાનું મન થયું ત્યારે એમના પરિચિત પુરૂષ દ્વારા જાણવા મળ્યું કે એ આંધ્ર પ્રદેશના વતની છે, વિજયનગરમ્ અને બોબ્બિલીની બાજુમાં આવેલા કલુવરાય અગ્રહારના નિવાસી છે, અને એમનું નામ કાવ્યકંઠ ગણપતિ શાસ્ત્રી છે. ત્યારથી લોકો એમને પરમપ્રેમ ને પૂજ્યભાવથી જોવા અને એમની અદભુત કાવ્યશક્તિને ઈશ્વરની પ્રસાદી સમજવા લાગ્યા.

એમની કાવ્યશક્તિ ખરેખર ઈશ્વરની કૃપાપ્રસાદીરૂપ જ હતી. બીજી ભાષામાં ને વધારે સુયોગ્ય ને સારી રીતે કહીએ તો એમનું સમગ્ર જીવન જ એ પરમકૃપાળુ પરમાત્માના અસાધારણ અનુગ્રહની અભિવ્યક્તિરૂપ હતું. એમના જન્મની પાછળ ઈતિહાસ હતો. એમનો જન્મ ઈ.સ. ૧૮૭૮માં  થયેલો. એમના પિતા નરસિંહ સ્વામી કાશીમાં ગણપતિની ઉપાસના કરીને પ્રાર્થના કરી રહેલા ત્યારે એમને એકાએક અનુભવ થયો કે ગણપતિની મધુમય મૂર્તિમાંથી નીકળીને કોઈ દૈવી બાળક એમની પાસે આવી પહોંચ્યું. એ અનુભવના આધાર પર એમણે એમની ઉપર ગણપતિની કૃપા વરસી એવું આશ્વાસન મેળવ્યું ને પોતાના પુત્રનું નામ ગણપતિના અનુગ્રહની સ્મૃતિમાં ગણપતિ રાખ્યું.

બાળપણનાં પહેલાં પાંચ વરસો દરમિયાન ગણપતિનું સ્વાસ્થ્ય સર્વપ્રકારે ખરાબ રહેતું. એમને પેટના ને બેહોશી અથવા મૂર્છા જેવા મગજના વ્યાધિઓ ભયંકર રીતે ઘેરી વળેલા. એ વરસો દરમિયાન એમની વાણી પણ બંધ હતી. વ્યાધિ, બેહોશી, પીડા અને મૂંગાપણાની પ્રતિકૂળ પરિસ્થિતિમાંથી મુક્ત કરવા માટે છઠ્ઠે વરસે એમને તપ્ત લોઢાના સળિયાથી ડામ દેવામાં આવ્યા. એ વિચિત્ર લાગતો નુસખો સફળ થયો ને ગણપતિનો જીવનપ્રવાહ બદલાયો.

પીડાજનક પ્રયોગ પછી એ વ્યાધિમુક્ત બનીને બોલવા તો લાગ્યા જ, પરંતુ એમની શક્તિ વધવા લાગી. એમની ગ્રહણશક્તિ, યાદશક્તિ, એકાગ્રતા તથા રચનાશક્તિ આશ્ચર્યકારક રીતે પ્રકટ થવા લાગી. અભ્યાસમાં એ બીજા સઘળા સહપાઠીઓથી આગળ રહેવા લાગ્યા. એકવાર જે વાંચતા એ એમને તરત જ યાદ રહી જતું અને કદી પણ ભુલાતું નહિ. એક સાથે એ આઠથી દસ વસ્તુમાં મનને જોડાયલું રાખી શકતા એટલા માટે અષ્ટાવધાની પણ કહેવાતા.

દસ વરસની વયમાં એમણે પૂર્વસંસ્કારોના પરિણામરૂપે પ્રાપ્ત થયેલી પ્રખર મેઘાશક્તિની મદદથી સંસ્કૃતમાં સુંદર કવિતા કરી, પંચાગની કળા શીખી લીધી. કેટલાંક કાવ્યોને કંઠસ્થ કર્યા અને વ્યાકરણમાં પ્રવીણતા પ્રાપ્ત કરી લીધી. બાર વરસની ઉંમરે કવિ કાલિદાસની કાવ્યરચનાના અનુકરણ પ્રયોગરૂપે ભૃંગસંદેશ નામે કાવ્યની બે સર્ગમાં મંદાક્રાન્તા છંદમાં રચના કરી. ચૌદ વરસની ઉંમરે છંદ, વ્યાકરણ, અલંકાર, કાવ્ય તથા ઈતિહાસમાં નિપુણતા મેળવી. રામાયણ, મહાભારત તેમ જ અન્ય પુરાણગ્રંથોનું અધ્યયન કરીને એમના રહસ્યને હસ્તગત કરી લીધું. એટલી નાની ઉંમરમાં પણ એમની બુદ્ધિ એવી સુસૂક્ષ્મ હતી કે એ સંસ્કૃતમાં કોઈ પણ પ્રકારની તકલીફ વિના ને ખૂબ જ સરસ રીતે લખી ને બોલી શકતા. એમની અંદર ઉત્તમ પ્રકારની વક્તૃત્વશક્તિ તેમ જ શીઘ્રકવિત્વ શક્તિનો સુભગ સમન્વય થયેલો.

સંસ્કૃત સાહિત્યના અધ્યયનને લીધે તથા વિશેષે કરીને મહાભારત અને રામાયણના પારાયણને પરિણામે એમના મનમા એક અવનવી મહત્વાકાંક્ષા જાગી ઉઠી. એ ધર્મગ્રંથોમાં આવતી ધ્રુવ, વસિષ્ઠ, નારદ, પ્રહલાદ ને વિશ્વામિત્ર જેવા પ્રાતઃસ્મરણીય પરમ તપસ્વી પરમાત્મપ્રેમી મહાપુરૂષોની આદર્શ જીવનકથાઓએ એમને અનેરો ઉત્સાહ અર્પીને એમના જીવનમાં પ્રેરણા ભરી. એમને થયું કે નામજપ, તપ, શ્રદ્ધા ને ભક્તિના પ્રતાપથી એ મહાપુરૂષો નવા સ્વર્ગની સૃષ્ટિ કરીને અને અનેક પ્રકારની અવનવી સિદ્ધિઓ મેળવીને જીવનવિકાસના સર્વોચ્ચ શિખરે પહોંચ્યા તો એમનાં પગલે ચાલીને પોતે શા માટે નહિ પહોંચે ? એમને પણ તપ કરવાનું ને બીજાને ઉપયોગી થવાનું મન થયું.

એ સદભાવનાથી પ્રેરાઈને એમના લગ્ન પછી તરત જ એટલે કે અઢાર વરસની ઉંમરે એમણે ગોદાવરી, ગંગા, યમુના ને કાવેરી તથા તુંગભદ્રાના પવિત્ર તટપ્રદેશનો પ્રવાસ કરવા માંડ્યો ને ત્યાં અનુકૂળતાનુસાર થોડો વખત વાસ કરતાં મંત્રજપ જેવી રુચિપૂર્વકની સાધના શરૂ કરી. એ વખતનાં એમનાં સાધનાવિષયક સાહસો અને સ્વાનુભવોનું વર્ણન સંસ્કૃતમાં કપાલી શાસ્ત્રીએ કરેલું છે.

દેશનાં વિભિન્ન તીર્થસ્થાનોમાં રહીને સાધના કરવા પાછળનું એમનું ધ્યેય ભગવાન શંકરના સાક્ષાત્ દર્શનનો લાભ મેળવવાનું ને એમની પાસેથી જુદાંજુદાં વરદાનોની પ્રાપ્તિ કરવાનું હતું. એમનું એ ધ્યેય ઉત્તમ અથવા આવકારદાયક હતું છતાં સાધકો સહેલાઈથી સમજી શકશે કે એની સિદ્ધિ જેટલી ધારવામાં આવે છે એટલી સહેલી નથી. ઈશ્વરની પરિપૂર્ણ કૃપા હોય તો જ એવું મહાન કાર્ય થઈ શકે.