નોંડિએ એની પહેલાં એક બીજો અપરાધ પણ કરેલો. વાત એમ હતી કે મહર્ષિ એકવાર એને માટે તૈયાર કરેલા ગરમ દૂધને ફૂંક મારીને પીવા યોગ્ય કે ઠંડું કરી રહેલા. એ જોઈને એણે અજ્ઞાનવશ એવું માની લીધું કે મહર્ષિ એનું દૂધ પી જવાની તૈયારી કરી રહ્યા છે. એને રોષ ચઢ્યો ને રોષમાં ને રોષમાં એણે એ મહાપુરૂષ પર પ્રહાર કર્યો.
મહર્ષિ શાંત જ રહ્યા. એમની શાંતિ જોઈને એનું મન બદલાયું. એણે પોતાની ભૂલને સમજી લીધી. એ ભૂલને માટે એને પશ્ચાત્તાપ થયો. એણે મહર્ષિની માફી માગી. મહર્ષિની પાસે જઈને એ એકદમ ઉદાસ વદને બેસી ગયો. મહર્ષિએ એને વિના વિલંબ માફી આપી.
મહર્ષિ એ દિવસો દરમિયાન ભાવિના ભેદને ઉકેલવાની શક્તિ ધરાવતા હતા ખરા ? એ પ્રશ્નનો સીધો ઉત્તર આપવાને બદલે એ વખતના એક પ્રસંગને જ આપણે એ વિશે બોલવા દઈએ. એ દિવસોમાં એકવાર એમણે નોંડિને વિનોદમાં કહ્યું : ‘નોંડિ, તું રાજા બની જશે તો તો તારો રુઆબ અનેકગણો વધી જશે ને તું અમને ભાગ્યે જ યાદ કરશે.’
એ પછી થોડા જ વખતમાં નોંડિ ખરેખર એની મંડળીના વાનરોનો રાજા બની ગયો.
મહર્ષિનો જ્યારથી એને આશ્રય મળેલો ત્યારથી મંડળીમાં એની પ્રતિષ્ઠા ઘણી વધી ગયેલી. એ પ્રતિષ્ઠાને લીધે મંડળીમાં ત્રણ વયોવૃદ્ધ વાનરો હોવા છતાં પણ મંડળીના વાનરોએ એને જ રાજા તરીકે પસંદ કર્યો. એ વખતે મહર્ષિ આશ્રમમાં ન હતા. નોંડિની અભિલાષા મહર્ષિની ઉપસ્થિતિમાં જ એનો રાજા તરીકેનો અભિષેક કરાવવાની હોવાથી એમની અનુપસ્થિતિમાં એને ખૂબ જ નિરાશા થઈ. એ નિરાશાને લીધે અથવા રાજ્યપ્રાપ્તિના વધારે પડતા ઉલ્લાસને લીધે એણે અને એની મંડળીના બીજા વાનરોએ આશ્રમનાં બધાં જ વૃક્ષોને હલાવવા ને બગાડવા માંડ્યાં. આશ્રમવાસીઓને એ જોઈને અત્યંત આશ્ચર્ય ને દુઃખ થયું. એમના વિરોધની એણે જરા પણ પરવા ના કરી.
મહર્ષિ આશ્રમમાં પાછા ફર્યા ત્યારે એમને પણ એ બધું દેખીને ખૂબ જ આશ્ચર્ય થયું. નોંડિ અને એના સાથીઓની એ વિઘાતક પ્રવૃત્તિને એ સમજી ના શક્યા.
બીજે દિવસે એ મુખપ્રક્ષાલન કરી રહેલાં ત્યારે નોંડિ ત્યાં એમની આગળ આવી પહોંચ્યો.
એ એમનાથી થોડેક દૂર રહીને ઝાડ પર ચઢીને વાનરોના રાજાની પદ્ધતિ પ્રમાણે એની સૌથી ઉપરની ડાળીને જોરથી હલાવવા લાગ્યો. થોડાક સમય સુધી એવી રીતે પોતાના પ્રતાપનું પ્રદર્શન કરીને એ ઝાડ પરથી નીચે ઉતરીને મહર્ષિની પાસે આવીને બેસી ગયો.
પહેલાંના રાજાએ એની પાસે આવીને એને સલામ કરી.
મહર્ષિ સમજી ગયા કે નોંડિ રાજા બન્યો છે.
એ જમવા બેઠા ત્યારે નોંડિ એમની પંક્તિમાં બેસવાને બદલે કુટિર છોડીને બહાર જતો રહ્યો.
આશ્રમવાસીઓએ કુતૂહલવશ એની પાછળ જઈને જોયું તો એ એના અનુયાયીઓની વચ્ચે ગૌરવપૂર્વક બેઠેલો દેખાયો.
વાનરોમાં એવી પ્રથા છે કે પહેલાંના રાજાની પત્નીઓ નવા રાજાની પત્ની બની જાય છે. નોંડિના સંબંધમાં પણ એવું જ થયેલું. એની બાજુમાં એની ત્રણ પત્નીઓ બેઠેલી.
બદલાયેલી પરિસ્થિતિમાં એ એના અનુયાયીઓના ખાધા પછી જ ખાતો. એ બધું જાણીને આશ્રમવાસીઓએ એ દિવસે એ બધા વાનરોને મહર્ષિની સૂચનાનુસાર ભોજન કરાવ્યું. એ ભોજન–– અલબત્ત સમૂહભોજનથી વાનરો ખૂબ જ પ્રસન્ન થયા. નોંડિની પ્રસન્નતાનો પણ પાર ના રહ્યો.
નોંડિ છ સંતાનોનો પિતા હતો. થોડાક સમય સુધી તો એનું રાજ્ય નિરાપદ રીતે ચાલતું રહ્યુ પરંતુ પછી દીવાનના વિરોધ તથા ષડ્યંત્રને લીધે એને રાજ્યસુખથી વંચિત રહેવું પડ્યું. એ એના સંતાનો સાથે અલગ રહેવા લાગ્યો. એને માટે પ્રતિકૂળતા તેમ જ દુઃખના દિવસો શરૂ થયા.
મહર્ષિ સ્કંદાશ્રમ છોડીને રમણાશ્રમમાં રહેવા માંડ્યા ત્યારે એક દિવસ એ એમને શોધતો શોધતો એમનાં દર્શન માટે આવી પહોંચ્યો. એમના સંસર્ગમાં એણે શાંતિ મેળવી. એ પછી પ્રત્યેક પંદરમે દિવસે એણે એમનાં દર્શન માટે આવવાનો નિયમ બનાવ્યો. એ નિયમપાલનથી એને ખૂબ જ સંતોષ થતો.
એકવાર વાનરોનો એક વયોવૃદ્ધ આગેવાન વાનર માંદો પડ્યો. એનું મૃત્યું નજદીક હતું. નિર્બળતાને લીધે બીજા વાનરોની ટોળી સાથે ચાલવાનું એને માટે અશક્ય થઈ ગયું. એટલા માટે, પોતાની પરવશતાનો વિચાર કરીને એ આશ્રમની પાસે જ રહી ગયો. સવારે જ્યારે મહર્ષિની દૃષ્ટિ એના પર પડી ત્યારે એમને આશ્ચર્ય થયું. એમણે જોયું તો એની પાસેના વૃક્ષ પર બેઠેલા બે વાનરો વિલાપ કરી રહેલા. વયોવૃદ્ધ વાનર જ્યારે રાજા હતો ત્યારે એણે કોઈક અપરાધને લીધે એ બંને વાનરોને મંડળીની બહાર કાઢી મૂકેલા. હવે વખતના વીતવા સાથે એ વાનરો એમની મંડળીમાં પાછા ફરેલા. એમની અંદર બદલો લેવાની ભાવનાનો એકદમ અભાવ હતો. જો એમનામાં થોડીક પણ વેરવૃત્તિ શેષ હોત તો એ વૃદ્ધ વાનરની પાછળ આવી રીતે શોક ના કરત.
મહર્ષિનું દિલ એ શોકથી દ્રવી ઊઠ્યું.
એ રુગ્ણ વાનરને ઉપાડીને એની સેવા કરવાની વૃત્તિથી પ્રેરાઈને એમણે એમના સાથળ પર સુવાડી દીધો. એ જોઈને વૃક્ષ પર બેઠેલા વાનરો આનંદી ઊઠ્યા. પરંતુ એ આનંદ ક્ષણિક અથવા અલ્પજીવી ઠર્યો. વયોવૃદ્ધ રુગ્ણ વાનર વધારે જીવી શકે તેવી સ્થિતિમાં ન હતો. મહર્ષિએ એના મુખને એક સાથળ પરથી બીજા સાથળ પર બદલવાની કોશિશ કરી ત્યારે એમના સાથળમાં એની દાઢ દબાઈ ગઈ. એ દાઢનાં ચિન્હ એમના સાથળ પર છેવટ સુધી એ પ્રસંગની સ્મૃતિ કરાવતાં કાયમ રહ્યા.
વાનરોના એ આગેવાનના પ્રાણ એક તીક્ષ્ણ ચીસ સાથે છૂટી ગયા. એના વર્તમાન જીવન પર પડદો પડી ગયો. પરંતુ મહર્ષિનો પ્રેમમય વ્યવહાર તો જુઓ ! એમણે એના મૃત શરીરને દૂધ તથા પાણીથી સ્નાન કરાવ્યું, એના પર ભસ્મ લગાડી, ને મુખને ખુલ્લું રાખીને બાકીના શરીરને સ્વચ્છ વસ્ત્રથી ઢંકાવ્યું. એ પછી એની આગળ ધૂપદીપ સળગાવીને એના શરીરને દાટવામાં આવ્યું. એમના આદર્શ શ્રેષ્ઠ મનુષ્યોચિત વ્યવહારથી એ સાધારણ પ્રાણીનું મૃત્યુ મંગલ બની ગયું ને જીવન ધન્ય થયું. એના મુખમંડળ પર તેજ છવાયું.
એક દિવસે બપોરે એ એમના પ્રશંસકો ને શિષ્યો સાથે અરૂણાચલ પર્વતની પરિકમ્મા કરવા નીકળ્યા.
રસ્તામાં પચ્ચેયમ્મન મંદિર સુધી પહોંચતાં પહોંચતાં બધાને થાક લાગ્યો. તાપ પુષ્કળ હોવાથી આગળ વધવાનું કઠિન થઈ પડ્યું.
એમના પરિશ્રમનો વિચાર કરીને એમને રાહત આપવાની ઈચ્છા કરતી હોય તેમ એમની બાજુએ બેઠેલી એક વાનરમંડળી નજદીકનાં જાંબુડાનાં વૃક્ષો પર ચઢી ગઈ ને એની શાખાપ્રશાખાઓને હલાવવા લાગી. એને લીધે જોતજોતામાં અસંખ્ય જાંબુ ધરતી પર ઢળી પડ્યાં. એ પછીથી કોઈને કોઈ પ્રકારનો સંકોચ ના થાય એટલે વાનરમંડળી ત્યાંથી દૂર ચાલી ગઈ. મહર્ષિના આશ્રમમાં એ મંડળીની કોઈ વાર સેવા કરાયેલી. એ ભૂતકાલીન સેવાનું સ્મરણ કરીને એણે કૃતજ્ઞતા દર્શાવવાનો એ અવસર ઝડપી લીધો એ જોઈને મહર્ષિ અને એમની સાથેના બીજા બધા જ આશ્રમવાસીઓ ગદ્ ગદ્ બની ગયા. એમને થયું કે વાનરો પણ કોઈએ કરેલા ગુણને યાદ રાખીને કૃતજ્ઞ બની શકે છે ખરા.
આશ્રમની પાસેના પવિત્ર પ્રદેશમાં કોઈ કોઈવાર એક સિંહ પણ આવી પહોંચતો. એના અવાજ પરથી કલ્પી શકાતું કે એ શુદ્ધ દાનતથી, મિત્રભાવે જ આવી રહ્યો છે. એને જોઈને મહર્ષિને લેશ પણ ભય ના લાગતો. એ તદ્દન શાંત જ રહેતા. પરંતુ આશ્રમવાસીઓ પાસેથી એવા આત્મવિશ્વાસ અને એવી શાંતિની આશા ના રાખી શકાય. એમની અવસ્થા મહર્ષિની અવસ્થા કરતાં જુદી હોવાથી એ એને જોઈને ભયભીત અથવા સાશંક બનીને કોલાહલ કરી મૂકતા. એમના શંખનાદના ને બીજા સ્વરો સાંભળીને એ મિત્રભાવે શાંતિપૂર્વક ચાલ્ચો જતો.
કહે છે કે એકવાર એ સિંહ ત્યાં ક્રોધાતુર બનીને આવી પહોંચ્યો.
એની ભયંકર ગર્જના સાંભળીને વૃક્ષો પર બેઠેલા વાનરો કંપી ઊઠ્યા. એમના હોશકોશ ઊડી ગયા, અને એમનામાંના કેટલાક ભયભીત બનીને કાળને સાક્ષાત્ અને સામે આવેલો જોઈને વૃક્ષો પરથી નીચે પડી ગયા. સિંહ એમનું ભક્ષણ કરી ગયો.
એવો પ્રસંગ અપવાદરૂપ હતો ને ભાગ્યે જ બનતો.
મોટે ભાગે તો સિંહ આશ્રમની પાસેના પાવન પ્રદેશનાં પરમાણુઓથી પ્રભાવિત થઈને વેરભાવનું વિસ્મરણ કરીને પ્રેમભાવે જ વિહાર કરતો. મહર્ષિના જાદુઈ વ્યક્તિત્વની અસર એવી અસાધારણ અને અજબ હતી કે સૌ કોઈ એમની પાસે પ્રેમભાવનો અનુભવ કરતા ને શાંતિ પામતા. એમનો આત્મા સાધનાના સમ્યક્ અનુષ્ઠાન દ્વારા ઉત્તમોત્તમ અવસ્થાની પ્રાપ્તિ કરી ચૂકેલો. એટલે એ મનુષ્યસૃષ્ટિ સાથે જ નહિ પરંતુ મનુષ્યેતર સૃષ્ટિ સાથે પણ આત્મીયતાનો અનુભવ કરતો. એવા આત્મરત, આત્માભૂતિથી અલંકૃત મહામાનવ સંસારમાં જ્યારે ત્યારે ને જ્યાં ત્યાં નથી થતા. એમનું પ્રાકટ્ય દુર્લભ હોય છે. એથીયે દુર્લભ હોય છે એમનું દર્શન અને એથી વધારે દુર્લભ હોય છે એમનો અનુગ્રહ. એમના સુખદ દર્શનનું ને સ્વર્ગીય સહવાસનું જેમને સૌભાગ્ય સાંપડ્યું છે અને જેમની ઉપર એમના અહેતુકી અનુગ્રહની વર્ષા વરસી છે તો પણ ધન્ય છે !

