Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921
અગ્નિનું સેવન કરનારા એક ધૂણીવાળા વૈરાગી સાધુની પર્ણકુટીએ હું જઈ પહોંચ્યો. કેટલીક વાત પછી તે સાધુએ મને પૂછ્યું: ‘શું તમે ધૂણી નથી રાખતા? અગ્નિના સેવનમાં શું તમે નથી માનતા?’

મેં કહ્યું: ‘માનું છું કે નહિ તે જૂદી વાત છે. પણ એ સાચું છે કે હું આવી ધૂણી નથી રાખતો.’

તેમણે કહ્યું: ‘કેમ?’

મેં કહ્યું: ‘તે વાત વિશે ના પૂછો તો સારું. પણ પૂછો જ છો ત્યારે કહું છું કે જેને આવી ધૂણી રાખવી હોય તે ભલે રાખે. મારી આંખ આગળ તો ધૂણી ચાલુ છે, ને તેનો અગ્નિ સદાયે સળગ્યા કરે છે. સંસારના સઘળા પદાર્થો કાળના અગ્નિમાં જલીને ખાખ થઈ જવાના છે: માટે કશામાં મમતા ને આસક્તિ ના કરવી એની યાદ મને કાયમ રહે છે. એનું સૂચન કરનારી ધૂણી મારી આંખ આગળ કાયમ રહે છે.

જેને આવી ધૂણી રાખવી હોય તે ભલે રાખે, પણ મારી ધૂણી તો જુદી છે. તે મને સંદેશ આપે છે કે પ્રેમની એવી ધૂણી પ્રકટ થાય, ને રોમેરોમમાં પ્રકટ થાય, ત્યારે પરમાત્માની પ્રાપ્તિ સહેલી થાય છે. ને વધુમાં તે કહે છે કે અગ્નિની પાસે જેમ જંગલી જનાવર આવતાં નથી, તેમ જ્ઞાન ને પ્રેમનો પવિત્ર પાવક પ્રગટ થાય પછી વિકાર ને વાસનાની ચિંતા રહેતી નથી. સાધક સર્વ પ્રકારે સલામત થાય છે. ’

છતાં કહ્યું છે કે જેને આવી ધૂણી રાખવી હોય તે ભલે રાખે, મને તેના તરફ માન છે. તેના રહસ્યને હું સમજી શકું છું, પણ મારી ધૂણી જુદી છે. સર્વસમર્પણના અગ્નિમાં અહંકાર ને મમતાને સ્વાહા કરવાનું કહેનારી મારી ધૂણી જુદી છે.

- શ્રી યોગેશ્વરજી