Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921
ગુલાબ ને ધંતૂરાના બે ફૂલ એક માળીના મઢુલીમાં અકસ્માત્ ભેગા થઈ ગયાં.

ગુલાબે પહેલાં તો ધંતૂરા તરફ જરા અહંકારથી જોવા માંડ્યું ને પછી કહ્યું: ‘આજે તને અહીં ક્યાંથી સ્થાન મળ્યું? અહીં તો મારા જેવાં ફોરમવંતા ફૂલોનો જ વાસ હોય છે. તને તો કોઈ સૂંઘતું યે નથી. તારામાં સુવાસ જ ક્યાં છે? મને તો મોટા મોટા કલાકારો પણ માન આપે છે, ને સુંદરીઓ પોતાના શિર પર સજીને ફર્યા કરે છે.’

ધંતૂરાએ પહેલાં તો તેના શબ્દો તરફ ધ્યાન ન આપ્યું. પણ તેનો અહંકાર વધવા માંડ્યો ત્યારે કહેવા માંડ્યું: ‘ભાઈ ગુલાબ, રૂપરંગ જૂદાં હોવા છતાં આપણે બંને એક જ જાતિનાં ને એક જ સ્વામીનાં સંતાન છીએ. આપણે પેલા રંગભેદનની નીતિને વળગી રહેનારા માનવોની પેઠે લડવા માગતા નથી. આપણે વેરનું નહીં પણ પ્રેમનું પ્રતીક છીએ. મારામાં સુવાસ નથી એ સાચું પણ તું પોતે જ જોજે કે માળી મને આજે મહાદેવના મસ્તક પર ચઢાવશે. અહંકારીનો અહંકાર દૂર કરવા જ પ્રભુએ કદાચ એવો નિયમ કર્યો હશે. છતાં અફસોસની વાત છે કે તને તારે માટે ગર્વ છે ને મારે માટે નફરત થાય છે.’

- શ્રી યોગેશ્વરજી