Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921
કામવાસનાને વશ કર્યા વિના તું સાચો સંત કેવી રીતે થઈ શકે ને સાધનાની સિદ્ધિ પણ તને કેવી રીતે મળે, તે મારી સમજમાં આવતું નથી. હે સાધક, તે મારી સમજમાં આવતું નથી.

અંગની આકર્ષણ વૃત્તિ ને આસક્તિમાંથી મુક્તિ મેળવ્યા વિના તું સાચું શ્રેય કેવી રીતે સાધી શકે ને પરમાત્માની પ્રાપ્તિ પણ કેવી રીતે કરી શકે, તે મારી સમજમાં આવતું નથી. હે સાધક, તે મારી સમજમાં આવતું નથી.

વાસનાને વશ કરી દે ને અંગની આસક્તિનો ત્યાગ કર. તે વિના તને મુક્તિ, શાંતિ કે પૂર્ણતા કેવી રીતે મળી શકે તે મારી સમજમાં આવતું નથી. હે સાધક, તે મારી સમજમાં આવતું નથી.

તેને માટે અંતરમાં ઈશ્વરના અનુરાગને ઉત્પન્ન કર, વધારે ને વધારે પ્રબળ કર, ને વિવેકી બનીને સંસારમાં વિચરણ કર. તે વિના જીવનની કૃતાર્થતા કેવી રીતે થઈ શકે, તે મારી સમજમાં આવતું નથી. હે સાધક, તે મારી સમજમાં આવતું નથી.

ગુરુનો ઉપદેશ સાંભળીને સાધકે પ્રભુને પ્રાર્થના કરી: ‘પ્રભુ, મારા પર કૃપા કરી દો. કૃપા કરીને મને દર્શન દો ને સ્પર્શ કરો, જેથી મારો નવો અવતાર થાય, ને મારા કામક્રોધના રહ્યાસહ્યા અંકુર પણ ખાખ હો! તમે કૃપા કરો જેથી મારું કામ સહેલું થાય.’

- શ્રી યોગેશ્વરજી