Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921
દાન આપવાની ઈચ્છાવાળા શ્રીમંતે શહેરના એકાંત ઉદ્યાનમાં એક સાધુને જોયો, ને તેને દાનનો અધિકારી માની ધન ને વસ્ત્રનો ભંડાર તેની આગળ ઠાલવવા માંડ્યો.

પણ સાધુએ તે લેવાની ના પાડી. ‘પ્રભુના દરબારમાં મને કોઈ વાતની ખોટ નથી.’ તેણે ઉત્તર આપ્યો: ‘મારા દયાળુ દીનબંધુના દરબારમાં કોઈ વસ્તુની ખોટ નથી.’

ફાટ્યાં તૂટ્યાં વસ્ત્રોમાં વીંટાયલા મજુર દંપતિને દાનના અધિકારી માનીને તે પછી તે શ્રીમંત તેમની પાસે ઊભો રહ્યો, ને તેમને દાન લેવા કહેવા લાગ્યો. પણ તેમના આશ્ચર્ય વચ્ચે તેમણે પણ ના પાડી. ‘મજૂરી કરવાની શક્તિ છે ત્યાં સુધી અમને કોઈ વાતની ખોટ નથી.’ તેમણે ખુલાસો કર્યો: ‘આજે શ્રમનો રોટલો રળવાની હિંમત છે, ને કાલની ચિંતા નથી. પ્રભુ પર શ્રદ્ધા છે એટલે કાલની ચિંતા નથી.’

ત્યારે તે શ્રીમંતને ખરેખર મુંઝવણ થઈ. વધારે પડતું ધન એકઠું કરવા ને તેનો ઉપયોગ નહિ કરી શકવા માટે તેને વિષાદ થયો.

પણ એટલી વારમાં એની મુંઝવણ ટળી ગઈ. એક મોટા મંદિરના મુખિયાની તેને મુલાકાત થઈ ગઈ.  તેણે કહ્યું: ‘ભગવાનનો ભંડાર તમારે માટે ઉઘાડો છે. તેમાં યથાશક્તિ દાન કરવાથી તમે સુખી થશો ને સદગતિની પ્રાપ્તિ કરશો. ને બીજા દાન ઉપરાંત પચાસેક હજારના ભગવાનના મુકુટ માટે તેણે ભિક્ષા માગી.’

મંદિરમાં વિરાજેલી ભગવાનની મૂર્તિ એ જોઈને જાણે ઠરી રહી.

- શ્રી યોગેશ્વરજી