Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921
પ્રેમી ભક્તે કઠોર તપ કર્યું ને પ્રભુ તેની સામે પ્રકટ થયા. ભક્તે કહ્યું: ‘પ્રભુ, મને તમારી સાથે લઈ લો: તમારા અલૌકિક ને ઉત્તમ ધામમાં લઈ લો.’

પ્રભુએ કહ્યું: ‘પ્રેમી, તારી વાત મને મંજૂર છે. પણ વિચાર તો કર કે તારા જેવા ભક્તોની રક્ષા માટે મારે પણ અવતાર લેવો પડે છે. એટલે પૃથ્વી પરના આ જીવનની મારે માટે આહુતિ આપવી બરાબર નથી. હું ઈચ્છું છું કે તું મારી વાત પર બરાબર વિચાર કરી લે.’

‘તો પછી તમે જ કહો પ્રભુ કે મારે શું કરવું?’

‘એ જ કે તું સંસારમાં જ રહે, ને માનવજાતિને મારા મહિમાની કથા કહે. અશાંતને એ રીતે તું શાંતિ દે. હું તારી સાથે જ રહીશ. મને તું તારી સાથે લઈ લે, ને સંસારના અણુએ અણુમાં મારા ધામનું દર્શન કરી લે. એમ કરીશ તો મારા ધામમાં આવવાની તારી કામના શમી જશે: મારું ધામ તારાથી દૂર નહીં રહે.’

ભક્તે ભગવાનની વાત કબૂલ રાખી ને ભગવાને તેને આશીર્વાદ આપ્યો. ત્રિતાપને તરી જઈને બીજાને તારવા તૈયાર થનારા મહાપુરુષોના મંગલમય મંડળની તે ધન્ય દિવસથી શરૂઆત થઈ. તે આજે પણ ચાલ્યા કરે છે. જે ચાહે તે તેમાં શામેલ થઈ શકે છે.

- શ્રી યોગેશ્વરજી