Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

એકાંત ઉપવનમાં બે પ્રેમી વચ્ચે વાર્તાલાપ ચાલી રહ્યો હતો.

સ્ત્રીએ કહ્યું: ‘આ શરીર નશ્વર છે તેની તમને ખબર છે, છતાં તમે તેમાં પ્રીતિ કરો છો ને તેને પ્રેમ કરો છો, એ ઓછું આશ્ચર્યકારક નથી. આ શરીર ગંદકીનું ઘર છે, છતાં તેને તમે પ્રેમ કરો છો.’

પુરુષે કહ્યું: ‘દૂરની નશ્વરતાનો વિચાર કરીને વર્તમાન પ્રત્યે આંખમીંચામણા કરવાની મારી ટેવ નથી. વળી હું શરીરને જ નહીં પણ તેની અંદરના આત્માને પ્રેમ કરું છું. પૂજા પણ તેની જ કરું છું. જ્યાં સુધી એ શરીરમાં પ્રગટ થાય છે ત્યાં સુધી હું તેને પ્રેમ કરીશ, પૂજીશ, ને એનો આનંદ લઈશ. ને શરીરનો નાશ થતાં પણ બધે એનું દર્શન કરીને મનની સ્થિરતા ને શાંતિને સાચવી રાખીશ. કહે હવે મને નશ્વરતાનો શો ભય છે? નશ્વરતાનો વિચાર કરીને ભયભીત થઈને બેસી રહેવાને બદલે, જે વિનાશી છે તેનો આધાર લઈને હું અવિનાશીની પ્રાપ્તિ કરવાનો પ્રયાસ કરીશ.’

સ્ત્રીનું હૈયું પ્રેમની આ આર્ષવાણી સાંભળીને ભરાઈ આવ્યું, ને તે પુરુષને ભેટી પડી. તેણે કહ્યું: ‘મને તમારા હૃદયની ખબર ન હતી. જન્માંતર જો નક્કી જ હોય તો દરેક જન્મમાં મને તમારી પ્રાપ્તિ થાય, ને તમારી સેવા કરવાનો અવસર મળે, તે માટે હું પ્રાર્થના કરીશ.’

આજથી અંતરના ઊંડાણમાં કાયમ કામના કરીશ.

- શ્રી યોગેશ્વરજી