Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

પાપીનો તિરસ્કાર કરવાની તારી ટેવ બરાબર નથી. કેમ કે પશ્ચાતાપના અગ્નિમાં જલી જઈને પાપી ક્યારે પુણ્યશાળી થઈ જાય તેની ખબર નથી. પાપીનો તિરસ્કાર કરવાની તારી ટેવ બરાબર નથી.

સંસારમાં એવા કેટલાય પાપી થઈ ગયા છે, જેમના પાપ અનેક હતાં. પરંતુ એક ધન્ય ઘડીએ તેમની હૃદયવીણા વાગી ઉઠી, તેમની વિવેક જ્યોત જાગી ગઈ. તેમના જીવનની સુરાવલિ શરૂ થઈ. એવા ઉદાહરણ સંસારમાં ઓછાં નથી. માટે જ કહું છું કે પાપીનો તિરસ્કાર કરવાની તારી ટેવ બરાબર નથી.

આજે તું પાપીનો તિરસ્કાર કરે છે, ને તેમને જોઈને મોં મચકોડે છે. પણ તેમ કરનારા કેટલાય પુણ્યશાળી એક દિવસ અચાનક પાપ કરતા થઈ ગયા છે, તેની તને ખબર છે ? પુણ્યનો અહંકાર પણ ઠીક નથી. માટે જ કહું છું કે પાપીનો તિરસ્કાર કરવાની તારી ટેવ બરાબર નથી.

પાપને ટાળવા ને પુણ્યશાળી કરવામાં મદદરૂપ બન. પણ પાપીનો તિરસ્કાર ન કર. કેમ કે કોણે ક્યારે ક્યાં ને કયા સંજોગોમાં કયું કામ કર્યું છે, ને કોને કયા કારણથી કુકર્મ કરવું પડે છે, તેની તને ક્યાં ખબર છે? ને વધારે વિનંતિ તો એટલા માટે કરું છું, ખુદ પ્રભુએ પણ પાપીને માટે પોતાના મંદિરના દ્વાર ખુલ્લાં રાખ્યાં છે. પ્રભુ પણ પાપીનો તિરસ્કાર કરતા નથી, ને તેને આલિંગન આપવા બે હાથ લંબાવીને ઊભા રહ્યા છે. ત્યારે તેને તિરસ્કારવાનો તને શો હક છે? માટે જ કહું છું કે પાપીનો તિરસ્કાર કરવાની તારી ટેવ બરાબર નથી.

 - શ્રી યોગેશ્વરજી