Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

પૂનમથી પણ મહા વધારે અનેરો પ્રકાશ લઈને તે મારે આંગણે આવીને ઊભી રહી. તેના અંગમાંથી મધુરતા ઝરતી હતી, અમૃતધારા ટપકતી હતી, ને મનને મસ્ત કરનારી ફોરમ ફેલાતી હતી. ઉઘાડા આકાશ નીચે મારી પથારી હતી. ત્યાં મારા ઉશીકા પાસે આવીને તે લગભગ મધરાતને વખતે ઊભી રહી.

મેં કહ્યું: ‘દેવી, તું કોણ છે ને મારી પાસે શા માટે પધારી છે?’

તેણે કહ્યું: ‘હું લક્ષ્મી, શ્રી કે સંપત્તિ છું. તમારા પર પ્રસન્ન થઈને હું તમારી સાથે રહેવા આવી પહોંચી છું.’

‘મારી સાથે રહેવા?’ મેં તેને આશ્ચર્ય સાથે પ્રશ્ન કર્યો: ‘મારામાં એવું શું છે? છતાં પણ તમારો સાથ સ્વીકારવા હું તૈયાર છું, જો તમારી સાથે સદબુદ્ધિરૂપી સખી પણ રહેવા આવતી હોય તો.’

ને મારા પ્રસ્તાવ સાથે સમંત થતાં તેણે કહ્યું: ‘મોટે ભાગે તેમ થવું તદ્દન અશક્ય છે પણ તમારે માટે તેમ થઈ રહેશે.’

- શ્રી યોગેશ્વરજી