Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

तद्ध तद्वनं नाम तद्वनमित्युपासितव्यं स य ।
एतदेवं वेदाभि हैनँ सर्वाणि भूतानि संवाञ्छन्ति ॥६॥

tad dhi tad-vanam nama tad-vanam ity upasitavyam sa ya
etad evam vedabhi hainam sarvani bhutani samvanchanti.

ખૂબ પ્રિય છે પ્રભુ તો, શાશ્વત સુખ ને શાંતિનિકેતન છે,
એમ સમજતાં ભક્તિ કરે જે, તે પ્રભુદર્શન પામે છે;
બની જાય આનંદરૂપ તે, સૌ તેનાથી સુખ પામે,
ટૂંકામાં આ બ્રહ્મજ્ઞાનનો સાર કહ્યો છે મેં આજે. ॥૬-૭॥

અર્થઃ

તત્ - તે પરમાત્મા
તદ્વનમ્ - (સૌના પ્રિય અથવા પ્રાપ્ય હોવાથી) તદ્વન
નામ હ - નામથી પ્રસિદ્ધ છે. (એટલા માટે)
તદ્વનમ્ - એ સૌના પરમપ્રિય અને સૌની કામનાના કારણ છે.
ઇતિ - એવું માનીને
ઉપાસિતવ્યમ્ - એમની ઉપાસના કરવા જોઇએ.
સઃ યઃ - જે પણ સાધક
એતત્ - એમને
એવમ્ - એવી રીતે (ઉપાસીને)
વેદ - જાણી લે છે.
એનમ્ હ - એને નિશ્ચયપૂર્વક
સર્વાણિ - સઘળાં
ભૂતાનિ - પ્રાણી
અભિ - બધી બાજુથી કે સર્વપ્રકારે
સવાંછતિ - હૃદયથી ચાહે છે, અથવા એ સર્વનો પ્રિય બની જાય છે.

ભાવાર્થઃ

એ પરમાત્માને અહીં એક અવનવા તદ્વન નામે ઓળખવામાં આવ્યા છે. એ નામનું રહસ્ય પણ બતાવવામાં આવ્યું છે. પરમાત્મા કરતાં વધારે સમીપ અને પ્રિય સંસારમાં બીજું કોઇ જ નથી. બીજું કશુંક જો જરાપણ પ્રિય અથવા પ્રેમાસ્પદ લાગતું હોય તો પરમાત્માને લીધે જ લાગે છે. માનવમાત્ર એક અથવા બીજી રીતે એમને જ ચાહે છે, અને પામવાના પ્રયત્નો કરે છે. એ જ પરમ સુખરૂપ, શાંતિરૂપ અને આનંદ છે. સૌના, સમસ્ત જડચેતનાત્મક જગતના જીવન પણ એ જ છે. એવું સમજીને એમની ઉપાસના કરવાથી સર્વપ્રકારે લાભ થાય છે. માનવ એમને ઓળખીને એમનામય બની જાય છે. પરમાત્માની પરમકૃપાની પ્રાપ્તિ કરનારા એ સાધકને જગતના બધા જીવો પ્રેમની નિર્મળ નજરે નિહાળે છે. કોઇને એનો ભય લાગતો નથી. એનાથી કોઇને હાનિ નથી પહોંચતી. સૌની સાથે એ અખંડ આત્મીયતાનો અનુભવ કરે છે.