Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

પ્રશ્ન : કુંડલિની શક્તિની જાગૃતિ કરી આપનારા કોઈ યોગીપુરુષ અત્યારે હયાત હશે ખરા ? તમને જો એવા કોઈ યોગીનો પરિચય હોય તો તેમના નામઠામની માહિતી આપી શકશો ખરા ?

ઉત્તર : મારા ધ્યાનમાં એવા બે ત્રણ યોગીપુરુષ છે પરંતુ એ મોટે ભાગે વિચરણ કરતા રહે છે એટલે એમના રહેઠાણ વિશે ચોક્કસ માહિતી નથી આપી શકતો. મારી તો તમને એટલી જ સૂચના છે કે કોઈ બીજાની પાસેથી કુંડલિની શક્તિની જાગૃતિ કરાવવાની ઈચ્છા રાખવાને બદલે, તમારા પોતાના પ્રામાણિક પ્રયાસના પરિણામરૂપે, એને સ્વાભાવિક રીતે જ જાગવા દો. એ તમારા વિશેષ લાભમાં છે. જે પુરુષો કુંડલિનીને જગાડે છે તે પણ એની કાયમી અથવા અખંડ જાગૃતિની બાંયધરી નથી આપી શકતા. એમના દ્વારા જગાડવામાં આવેલી કુંડલિની કેટલાક અપવાદોને બાદ કરતાં, ફરીવાર શાંત પણ થઈ જાય છે. માટે કોઈપણ જાતની ઉતાવળ કર્યા વિના જપ, ધ્યાન કે પ્રાર્થનાની મદદથી કુંડલિની શક્તિને સહજ રીતે જ જાગવા દો.

પ્રશ્ન : કુંડલિનીની જાગૃતિ આત્મવિકાસને માટે અનિવાર્ય નથી ?

ઉત્તર : કુંડલિનીની જાગૃતિ અનિવાર્ય હોય તો આપોઆપ થશે. આત્મવિકાસને માટે વધારે ઉપયોગી અને અનિવાર્ય વસ્તુ તો તમારા પોતાના સ્વભાવની શુદ્ધિ, સાત્વિકતા, ઉત્તમતા અને તમારી પોતાની અંતરંગ સાધના છે. શાંતિ તથા સિદ્ધિ, એથી જ મળી શકશે. આત્મસાક્ષાત્કાર પણ એથી જ શક્ય બનશે. કોઈ તમારી કુંડલિનીને જગાડી આપશે તો પણ, તેટલાથી જ કાંઈ જીવનનાં આધ્યાત્મિક વિકાસની ઈતિકર્તવ્યતા નહિ થઈ શકે. જીવનના વિકાસને માટે જરૂરી એનાથી આગળનું કામ તો તમારે જ કરવું પડશે. કુંડલિની શક્તિની જાગૃતિથી બીજા કેટલાક લાભ થશે પરંતુ મનની નિર્મળતા, સંસારના વિષયો પરથી ઉપરામતા, ને ઈશ્વરપ્રેમ નહિ જ થઈ શકે. એ માટે અલગ અભ્યાસની જરૂર રહેશે એ યાદ રાખજો. એ પણ ના ભૂલતા કે આત્મવિકાસમાં એ અત્યંત અનિવાર્ય છે.