Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

પ્રશ્ન : ગુરુની જરૂર ખરી ? ગુરુનું મુખ્ય કાર્ય શું હોય છે ?

ઉત્તર : તમારે ગુરુની જરૂર છે કે કેમ તે તમારી મેળે જ નક્કી કરવું જોઈએ. શાસ્ત્રો ને મહાપુરુષો ગુરુની જરૂરત સ્વીકારે છે. આધ્યાત્મિક માર્ગ પર પ્રતિષ્ઠિત થવું હોય તો ગુરુ આવશ્યક છે. તે તમને માર્ગદર્શન આપે છે, ને તમારી શંકાનું નિવારણ કરે છે.

ગુરુ એટલે શું એ વાતનો વિચાર કરો એટલે ગુરુનું કાર્ય શું એ સમજી શકાશે. ધારો કે એક બાળકની માતા એક જ ગામમાં પણ કોઈને ત્યાં કામપ્રસંગે ગઈ છે. બાળકને તે કોઈ સ્થળે મુકી ગઈ છે. હવે આ બાળક માતાની પાસે જવા આતુર બનીને રડવા માંડ્યું. ઘરના માણસને બાળકની માતા ક્યાં ગઈ છે તેની ખબર હતી. બાળક કેમ કરી માન્યું કે છાનું રહ્યું નહીં, એટલે તે માણસ બાળકને લઈને પેલી માતા પાસે જવા નીકળ્યો, પરિણામે બાળક માતાને મળીને ગેલ કરવા લાગ્યું.

આ પ્રમાણે જીવાત્મા પરમાત્માથી અલગ પડેલો છે. તે જ્યારે પોતાની મા એટલે મૂળ ચેતનશક્તિ પરમેશ્વરની પાસે જવા આતુર બને છે ને તલસે છે, ત્યારે ગુરુ તેની વહારે આવે છે. આ ગુરુને પરમાત્મા સંબંધી બધી માહિતી હોય જ છે, તેણે પરમાત્માની સાથે પરિચય કેળવ્યો હોય છે. એટલે જ કૃપા કરીને તે જીવાત્માની આંગળી પકડે છે ને તેને માર્ગ પર ચઢાવીને - દોરીને તેને ઈશ્વરરૂપી માની પાસે લાવી દે છે. આમ ગુરુ જીવ ને શિવનો મેળાપ કરાવી દે છે, જીવાત્માને પરમાત્મા પાસે પહોંચાડે છે. આટલી મોટી તેની શક્તિ ને જવાબદારી હોય છે. આ જ ગુરુનું મુખ્ય કાર્ય છે. જિજ્ઞાસુ કે શિષ્યનું બંધન તોડાવી ને માર્ગ બતાવી તેને શાંતિ ને મુક્તિ આપી તેનો ઉધ્ધાર કરવાનું મહાન કાર્ય ગુરુ કરી દે છે.

પ્રશ્ન : બધા જ ગુરુમાં આવી શક્તિ હોય છે ?

ઉત્તર : જે ઉપરના સાચા અર્થમાં ગુરુ છે, તેમનામાં આવી શક્તિ જરૂર હોય છે. માટે તો તે ગુરુ કહેવાય છે. કૃષ્ણ, બુધ્ધ, ઈશુ, મહમ્મદ, જરથુસ્ત, મહાવીર, નાનક વિગેરે આવા જ ગુરુ હતા. પણ જે ફક્ત ગુરુના શબ્દથી ને પદથી મોહાઈ ગુરુ બનવા ઉતાવળો બને છે, જે ધન ને કીર્તિના મોહમાં ફસાઈ ઈશ્વરપ્રાપ્તિ  કે આત્મશાંતિથી દૂર રહે છે, તેનામાં આવી શક્તિ ન જ હોય એ દેખીતું છે. તેમને સાચા અર્થમાં ગુરુ કહી શકાય નહીં.

પ્રશ્ન : આવા ગુરુની પ્રાપ્તિ કેવી રીતે થાય ? આવા ગુરુ કાંઈ પણ પ્રયાસ કર્યા વિના જ કૃપા કરી દે તો શું ખોટું ?

ઉત્તર : પેલા બાળકની જેમ ઈશ્વરને માટે આતુર બનો પછી ગુરુ તો તમને આપોઆપ મળી જશે. આવા ગુરુ કે ઈશ્વરની કૃપા એમનેમ થઈ શકે નહીં. કોઈ વિદ્યાર્થી નિશાળમાં જાય નહીં, અભ્યાસ કરે નહીં, છતાં ફાઈનલના સર્ટિફિકેટની ઈચ્છા કરે તો તે કેમ મળે ? નિશાળમાં જઈને ખંતથી અભ્યાસ કરવો જોઈએ. તે પ્રમાણે શાસ્ત્રો ને મહાત્માઓએ બતાવેલા માર્ગે વિકાસ કરવો જોઈએ. તે વિના કેવળ બેસી રહેવાથી કે તરંગો કરી ઘાટ ઘડવાથી ગુરુ કે ઈશ્વરની કૃપા થાય નહીં, સમયની બરબાદી થાય તે જુદી.