પ્રશ્ન : ગુરુ કોને કહેવાય ?
ઉત્તર : ગુરુના જુદાજુદા કેટલાય અર્થ છે. કોઈ તેને અંધકારમાંથી પ્રકાશમાં લઈ જનાર, તો કોઈ તેને અસત્યમાંથી સત્યમાં લઈ જનાર કહે છે. પણ આપણે તો બીજી રીતે અહીં વિચારીએ છીએ. ગુરુ કોને કહેવા તે વાત કે તે પ્રશ્નનો જવાબ ગુરુ શબ્દમાં જ રહેલો છે. ગુરુ એટલે મોટો. મોટો એટલે શું ? મોટાઈ ત્રણ રીતે સમજવાની છે : મનની મોટાઈ, દિલની મોટાઈ ને આત્માની મોટાઈ. આ ત્રણ રીતે જે મોટો હોય તે ગુરુ કહી શકાય.
મનની મોટાઈ શું છે ? મનમાં કોઈવાર બૂરા વિચાર ના ઊઠવા, ઊંચી ભાવના ને જ્ઞાનના ઉન્નત વિચારોથી મન સદા ભરપૂર રહેવું, સંકુચિતતા કે સ્વાર્થવૃત્તિ છોડી સમસ્ત જગતને પોતાનું ગણી તેને કામ લાગવું, સદાયે સ્થિર ને શાંત રહેવું, તેમજ સંયમ દ્વારા પરમાત્માનું દર્શન કરી, મનને સદા પરમાત્મામય રાખવું ને જગતમાં બધે જ તે પરમાત્માનું દર્શન કરવું. આ બધાં મનની મોટાઈના લક્ષણો છે.
આ પછી આવે છે દિલની મોટાઈ. ક્ષમા, પ્રેમ, દયા, હોવી, સૌને માટે હિતની ભાવના ને કામના હોવી, દુઃખીના દુઃખ ને દીનની દીનતા જોઈ પીગળી જવું, પત્થર જેવું ભાવના કે લાગણીહીન દિલ ના હોવું.....એ બધાં દિલની મોટાઈનાં લક્ષણ છે.
ને આત્માની મોટાઈ એટલે કામ-ક્રોધ જેવા અંતઃકરણના વિકારોને જીતી લઈ, અહંકાર ને મમતા કે દેહાધ્યાસને દૂર કરી, આત્મદર્શન કરવું ને સમસ્ત સૃષ્ટિમાં આત્માને જોવો. આવા જ પુરુષને મહાત્મા પણ કહેવામાં આવે છે ને મહાપુરુષ પણ. જે આમ બધી રીતે ક્ષુદ્રતા ને લઘુતાની દીવાલો ભેદીને સાચા અર્થમાં મહાન કે મોટો થયો હોય છે, તે જ ગુરુ કહેવાય.
શાસ્ત્રોએ મહાપુરુષ અથવા ગુરુના વિવિધ લક્ષણ કહ્યા છે. ભગવાન શ્રી આદ્ય શંકરાચાર્યે તેને માટે એક ઠેકાણે ચાર સુંદર શબ્દ વાપર્યા છે. ‘દયાલું ગુરું બ્રહ્મનિષ્ડં પ્રશાંતમ્’ એ કાવ્યપંક્તિમાં તે મહાપુરુષ કેવો હોવો જોઈએ તે વિશે કહ્યું છે. એક તો તે દયાળુ હોવો જોઈએ. બીજું, જ્ઞાનના અનુભવમાં મોટો હોવો જોઈએ, ત્રીજું, તેણે ઈશ્વરદર્શન કરેલું હોવું જોઈએ ને ઈશ્વરીભાવમાં હંમેશા સ્થિત રહેતો હોવો જોઈએ; ને છેલ્લે પરમશાંતિની પ્રાપ્તિ તેને થયેલી હોવી જોઈએ. આત્મદર્શન વિના પરમશાંતિ શક્ય નથી. ધન, વૈભવ, વિલાસ, સ્ત્રી, ભોગ, એ બધાંથી માણસને સુખશાંતિ મળે છે, પણ તે ચિરસ્થાયી કે સનાતન હોતી નથી. અમુક સમય પછી તેનો ભંગ થવાથી તેની તૃષ્ણા ફરી જાગૃત થાય છે. શાંતિ માણસના અંતરમાં જ આત્મારૂપે રહેલી છે ને પરમાત્માને મેળવ્યા વિના કાયમી શાંતિ મળી શકતી નથી. આ કાયમી શાંતિ જેણે મેળવી છે તે જ આદર્શ સંત, મહાત્મા, મહાપુરુષ કે ગુરુ છે.
ગુરુનાં આ બધાં લક્ષણ આપણે ઉપર જે વિચાર કર્યો તેમાં આવી જાય છે.
પ્રશ્ન : પણ આવા ગુરુ મળે ક્યાં ?
ઉત્તર : તેને શોધવા જવાની જરૂર નથી. શોધવાથી તે મળશે જ એમ નક્કી કહી શકાય નહીં. સૌથી સુંદર વાત તો એ છે કે તમે તેવા ગુરુને માટે યોગ્ય બનો, તેને માટે અધિકાર કેળવો. અત્યારે તમારે તેવા ગુરુની જરૂર જ ક્યાં છે ? વાસના, સાંસારિક તૃષ્ણા, કામવાસના ને કપટ, એ બધામાં અત્યારે તો તમે ગળાબૂડ ડૂબેલા છો. તેમાંથી બહાર આવી ઈશ્વરની ભૂખ કે ગુરુની તરસ ઉત્પન્ન કરો એટલે સંસારના ગમે તે ભાગમાંથી દોડી આવીને પણ ગુરુ તમને મળશે. એમાં કોઈ વાતનો સંદેહ નથી. માટે પહેલાં યોગ્ય શિષ્ય બનો. અત્યારે જેમ યોગ્ય ગુરુ મળવા કઠિન થઈ પડ્યા છે, તેમ યોગ્ય શિષ્ય પણ મળવા મુશ્કેલ છે.

