Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

જિંદગીનો પંથ જટિલ છે જાણું છું,
જાણું છું એ પંથે પાર વિનાના પથ્થર તથા કંટક છે,

ખાડાટેકરા આવે છે, આરોહ-અવરોહનો અંત નથી;
વિષમય વિપરીત વિષયવાયરા વાય છે.
શીળી સુધાસભર છાયા તો ક્વચિત્ જ સદભાગ્યે જ સાંપડે છે;
મોટાભાગે તો આકરી અગ્નિજ્વાલા જલે છે;
તો પણ એનો અફસોસ નથી, ભય નથી.
જિંદગી જિંદગી છે જાણું છું.

એના પંથ પર પરિમલ પાવન પાર વિનાનાં પુષ્પો પથરાઈ જાય
શીળી સુધાસભર છાયા છવાય
એના રેતાળ રણમાં વનસ્થલીની સૃષ્ટિ થાય
એવી મારી પ્રાર્થના નથી.
એને માટેની ભાવના, વૃત્તિ, પ્રવૃત્તિ અવશ્ય છે.
કિન્તુ એને સંપૂર્ણ સાફલ્ય ના સાંપડે તોપણ
એટલું અવશ્ય માગી લઉં છું,
જિંદગી જીવન જ રહી જાય, મરણ ના થાય,
આપના અમોઘ અલૌકિક આશીર્વાદરૂપે અનુભવાય,
અભિશાપ ના જણાય.

–© શ્રી યોગેશ્વરજી (‘દર્પણ’)