Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

ઓ ઈશ્વર, એવું દે !

હજાર યત્ન કરીએ તોપણ કામ થઈ ના રે’,
નિરાશાજ દેખાય બધેયે, નિષ્ફળતા બસ કે;
છતાંય નાસીપાસ ન બનિયે એવી આશિષ દે ! .... ઓ ઈશ્વર, એવું દે !

ચારે તરફ અશાંતિ જ લાગે, શાંતિ મળે ના શેં,
ચિંતા હોય ઘણીયે મોટી, શાંતિ લઈ તે લે,
છતાંય હિંમત ના હારીએ, એવી આશિષ દે ! .... ઓ ઈશ્વર, એવું દે !

સુધારિયે બીજાનું પણ એ ગાળો અમને દે,
નિંદા કરે, વગોવે, રાખે વેર વળી સૌ તે;
છતાંય પ્રેમ ન ખૂટે હૈયે, એવી આશિષ દે ! .... ઓ ઈશ્વર, એવું દે !

દુઃખ પડે, ને મુસીબતોનો પાર જરા ન રહે;
છતાંય અડગ રહીને ધપિયે, એવી આશિષ દે ! .... ઓ ઈશ્વર, એવું દે !

 - શ્રી યોગેશ્વરજી