Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

મા, લડાઈ કેમ કરે છે ? ભેગા કરી ભયંકર ગોળા,
લોક મળીને ટોળેટોળા; નાશ સર્વનો કેમ કરે છે ? મા, લડાઈ.

લાભ થાય લડવાથી કાંઈ ? નુકશાન વધારે એમાંહી;
તો પણ દુશ્મન બનતાં ભારે, પરસ્પર લડી કેમ મરે છે ? .... મા, લડાઈ.

ભણ્યાગણ્યા,મોટાયથયા છે,આગળ વધી ઘણાયગયા છે;
તો પણ હાથે કરી કહેને, હોળી સૌની કેમ કરે છે ? .... મા, લડાઈ.

લાખો લોકો જેથી મરતા, ધનવૈભવ ના પાછાં ફરતાં;
એવી લડે લડાઈ તેને, હાર, માન કે કેમ ધરે છે ? .... મા, લડાઈ.

ઝઘડા તો ઘરમાંયે થાયે, ગરમ મગજ તારું યે થાયે;
શાંતિ રાખવાને બદલે પણ, મારે છે ને કેમ મરે છે ? .... મા, લડાઈ.

અમે લડીએ તો તું મારે, ખાવા ના આપે કો કાળે;
મોટા થઈ લડે છે આ સૌ, માન એમનું કેમ કરે છે ? .... મા, લડાઈ.

ઝઘડા બધા પતાવી સૌ દે, જુઠા નો પક્ષ જ ના લે;
દરેક દિવસે એને બદલે, શસ્ત્રો ભેગાં કેમ કરે છે ? .... મા, લડાઈ.

મોટો થઈ કહું લોકોને, અરે, લડાઈને રોકોને;
લડો લડાવો તમે બધા પણ, હૈયું મારું રડી મરે છે ! .... મા, લડાઈ.

 - શ્રી યોગેશ્વરજી