ગયાં બધાં બીડાઈ, પોઢી, એક છતાં જાગે,
રાતે એને ઉજાગરાની ટેવ પડી લાગે.
ઓળખી શકો તમે એહને ? કેમ કહો જાગે ?
રાતરાણી એ રાણી, એનું અંગ ભર્યું રાગે.
કોમળ કેવી કાયા એની, સુવાસને છોડે,
મહેંકી રહે વન આખું યે, દિલડું ને દોડે;
ઓળખી શકો તમે એહને ? કેમ કહો જાગે ?
રાતરાણી એ રાણી, એનું અંગ ભર્યું રાગે.
યોગી જેવા રાતે જાગે, ધ્યાન ધરે કોઈ,
તેવી રીતે ધરે ધ્યાન આ, ઘડી ખરી જોઈ;
ઓળખી શકો તમે એહને ? કેમ કહો જાગે ?
રાતરાણી એ રાણી, એનું અંગ ભર્યું રાગે.
કિરણો એની સાથે ખેલે, ચંદ્રતણાં કેવાં ?
વાયુદેવતા પણ એનાથી, થાય મસ્ત જેવા.
ઓળખી શકો તમે એહને ? કેમ કહો જાગે ?
રાતરાણી એ રાણી, એનું અંગ ભર્યું રાગે.
દુનિયા જાણે કે ના જાણે, કરે છતાં સેવા,
આપે યશ કોઈ, ના આપે, માન વળી મેવા.
ઓળખી શકો તમે એહને ? કેમ કહો જાગે ?
રાતરાણી એ રાણી, એનું અંગ ભર્યું રાગે.
- શ્રી યોગેશ્વરજી

