આ ગુલાબ કેરું ફૂલ
ખીલ્યું કેવુ કાંટામાંયે ? આનંદે મશગૂલ;
શોક કરે ના રડે, જરા ના,
ઉડે છોને ધૂળ ... આ ગુલાબ કેરું ફૂલ
હસી રહ્યું હૈયેથી કેવું ? કેવું થયું પ્રફુલ્લ?
ભમરાઓ ભેટે છે એને,
એમાં ના કૈં ભૂલ ... આ ગુલાબ કેરું ફૂલ
જોતાંવેંત જ આકર્ષી લે, એવું રૂપ અમૂલ;
મનને મોહિત કરે રંગથી,
હોય ભલેને દૂર ... આ ગુલાબ કેરું ફૂલ
વિકાસ કરિયે, હસી રહીએ, જેમ હસે આ ફૂલ;
હારીએ ના હિંમત, છોને
ચોપાસે હો શૂળ ... આ ગુલાબ કેરું ફૂલ
- શ્રી યોગેશ્વરજી

