ચાંદલિયો કોણે રચ્યો પેલા ચોકમાં ?
એ તો સોહે ગગનના ગોખમાં.
ચાંદલિયો કોણે રચ્યો પેલા ચોકમાં ?
અમૃતભરેલું એનું અંગ ખરે આખું,
સુંદર કરવામાં એને બાકી ના રાખ્યું;
એ તો દૈવી દીવો નભલોકમાં. ચાંદલિયો કોણે.
કોઈ છે પદ્મ જાણે પ્રકટ્યું આકાશમાં.
કોઈક ફૂલ રહ્યું ખીલી સુવાસમાં;
જાણે ઉગ્યો આનંદ સ્વયં શોકમાં.ચાંદલિયો કોણે.
ઈશ્વરની આંખ જાણે જગને જોઈ રહી;
આત્માની સાથ જાણે રજની સોહી રહી,
કોઈ બાળક હસી રહ્યું વ્યેમમાં. ચાંદલિયો કોણે.
આનંદ કેવો એ અંતરને આપે ?
રશ્મિ રેલીને વ્યોમ પૃથ્વીને માપે;
એનાં ગીતો ગવાય કવિલોકમાં. ચાંદલિયો કોણે.
રસ ને પ્રસન્નતાને એમ ભરી પ્રાણમાં,
સોહી રહીએ અમે દૈવી કો ધ્યાનમાં;
એ આકાશે અને અમે ભોમમાં. ચાંદલિયો કોણે.
- શ્રી યોગેશ્વરજી

