Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

ચીંચીં કરતી ચકલી આવી, ચણ ખાવાને કાજ,
આંગણિયામાં મળી ટોળલે, ઉડાડો ના આજ.

ઘૂ ઘૂ સ્વરમાં ગાતાં આવ્યાં, અનેક કબુતર આ;
દાણો ખાતાં સંપી કેવાં ? ઈર્ષા કરતાં ના.

કુદરતને ખોળે ફરનારી, ખિસકોલી બેચાર,
ફરી રહી છે સૌની સાથે, ભેદતણો ન વિચાર.

અનાજ નાખ્યું પરબડી મહીં, એથી આવ્યાં સૌ;
સૌ છે ભેગાં થયાં છતાંયે. એક જ લાગે સૌ.

આવી રીતે સંપ કરીને, સૌએ વાસ કરે;
ખાય, ભોગવે, ભેગાં મળતાં, રસ સૌને ય ધરે.

કેવી પૃથ્વી બની જાય તો ? લડવાનું ન રહે;
પ્રભાત ખીલે સુખશાંતિનું, સૌ આનંદ લહે.

આવો, આ પંખી પાસેથી, પાઠ શીખવા આજ;
ભેગાં મળી રમો સૌ સાથે, કરશો નાજ અવાજ.

 - શ્રી યોગેશ્વરજી