Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

મોર, તારી કેવી કળા ? હે મોર, તારી કેવી કળા ?
હે મોર, તારી કેવી કળા ?
પાંખને ખોલીને કરતો કળા ત્યારે, સોહે છે કેવી ધરા ?
મોર, તારી કેવી કળા ? મોર, તારી.

કોણે રંગ્યાં તારાં પીછાં ઓ મોરલા,
કોણે ઘડ્યા એના ઘાટ ?
કોણે કળા કરતાં શીખવાડ્યું ? કોણે પાડી તારી ભાત ?
નાચતો થનગન કરતાં ત્યારે, દિલડું ડોલે છે જરા.
મોર, તારી કેવી કળા ? મોર, તારી.

કોણે દીધો તને કંઠ ઓ મોરલા,કોણે દીધી તને પ્રીત ?
વરસાદી વાદળાં જોઈને નાચે, ગાતાં ગાતાં તારૂ ગીત.
નાચતો ત્યારે નાચે છે ઢેલ યે, રંગાઈ હરખે નરા.
મોર, તારી કેવી કળા ? મોર, તારી.

જોટો જડે તારો ક્યાંયે ના મોરલા, શોભા તણા શણગાર !
ખેતરે, ગામડે, ટહુકા કરે તો, સુખનો રહે ના પાર.
ચિંતાને તરવાની, રસ સૌને ધરવાની,
શીખવી દે અમને કળા.
મોર, તારી કેવી કળા ? મોર, તારી.

 - શ્રી યોગેશ્વરજી