Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

સૌથી શું પ્યારું, તુજને, સૌથી શું પ્યારું ?

સૌથી પ્યારા પરમાત્મા છે, જેનું રૂપ રૂપાળું;
મંગલમીઠું નામ જેમનું, તોડે બંધનતાળું.
સૌથી શું પ્યારું, તુજને, સૌથી શું પ્યારું ?
 
માતપિતા છે સૌથી પ્યારાં, શે ઉપકાર વિસારું ?
ભૂલાયે શે સ્નેહ એમનો ? જીવન આખું પાળું.
સૌથી શું પ્યારું, તુજને, સૌથી શું પ્યારું ?

જ્ઞાનઆંખ આપીને જેણે ટાળ્યું ઉર અંધારું;
કળા શીખવી જીવન કેરી, એમના ઉપર વારું !
સૌથી શું પ્યારું, તુજને, સૌથી શું પ્યારું ?

દેશતણાં વાસી છે પ્યારાં, ભાવ ઘણોયે ધારું;
એ સૌના સુખ માટે મારી મિલ્કત સઘળી હારું.
સૌથી શું પ્યારું, તુજને, સૌથી શું પ્યારું ?

વિશ્વ ખરેખર પ્યારું મુજને, ઉત્તમ ને રઢિયાળું;
પરમાત્માના પ્રતિબિમ્બસમું, સ્વરૂપ એમનું ચારું.
સૌથી શું પ્યારું, તુજને, સૌથી શું પ્યારું ?

છતાં નથી મમતા કોઈમાં, મોહ મનથકી મારું;
સર્વ છતાં કાંઈ પ્યારું, એ પદ માનું ન્યારું.
સૌથી શું પ્યારું, તુજને, સૌથી શું પ્યારું ?

 - શ્રી યોગેશ્વરજી