હું છું કાન, કાળો કાન, ગોરી ગોપીઓનો કાન,
ગાને ઘેલાંઓનો કાન,
પેલા નંદજીનો બાલ કાનુડો ! ...
મને માખણ પર છે પ્યાર, ગમે બંસીસ્વરની ધાર;
હું છું કાન, કાળો કાન, મીઠી બંસીવાળો કાન,
ઘેલી ગાવલડીનો કાન,
પેલી જમનાનો બાલ કાનુડો ! ...
મને ગાયો પર છે વ્હાલ, મારી ધીમી ધીમી ચાલ;
હું છું કાન, કાળો કાન, કાળો તોયે ગોરો કાન,
નાનો તોયે મોટો કાન;
કાળો કામણગારે કાન કાનુડો ! ...
હું છું કાન, કાળો કાન, માથે મુગટધારી કાન,
સાથે પીંછાંધારી કાન,
અંગે અંબરધારી બાલ કાનુડો ! ...
મારે ગોપસખાંનો સાથ, મારે ગોપીઓનો સાથ;
હું છું કાન, કાળો કાન, સૌના હૃદયે રમતો કાન,
સૌના હૈયાં હરતો કાન,
આખા જગમાં રમતો કાન કાળુડો ! ...
હું છું કાન, કાળો કાન, ગોરી ગોપીઓનો કાન,
ગાને ઘેલાંઓનો કાન,
પેલા નંદજીનો બાલ કાનુડો !
- શ્રી યોગેશ્વરજી

