Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

શાળા અમારી માવડી, એનાં પીએ અમે પિયૂષ રે;
પ્રાણ એ પવિત્રશો કરે.

પામ્યાં શરીર એક માતથી, આપે બીજું શરીર આ માત રે;
આત્મામાં અજવાળાં પાથરે, કરે અંધકારથી મુક્ત જાત રે; .... શાળા.

એકને અમીભર્યે ખોળલે, અમે ખોલી અમારી આંખ રે;
બીજી ખોલે આંખ જ્ઞાનની, તેમ પૂરી પાડે છે પાંખ રે; ... શાળા.

માટીની કાયા છે એકની, ધરે બીજી સોનેરી કાય રે;
બંધન તોડી દે, શાંતિ દે, કલેશ કાપે ને આપે છાંય રે; ... શાળા.

વહાલી અમોને માવડી, તેમ શાળા વહાલી ખૂબ રે;
લેતાં મદદ એની પ્રેમથી,આખું જીવન કરીએ શુદ્ધ રે; ... શાળા.

ઉપકાર એના અનેક છે, એને ભૂલી શકીએ કેમ રે ?
સેવા કરીએ સ્નેહથી, બની ઉત્તમ રહીએ તેમ રે. ... શાળા.

શાળા અમારી માવડી, એનાં પીએ અમે પિયૂષ રે;
જેવી રીતે કોઈ ગાવડી,એનાં પોષે છે પાઈ દૂધ રે. ... શાળા.

 - શ્રી યોગેશ્વરજી