પધારશો આ વખત તો મારી પાસ જરૂર,
પ્રાણ એમ સાક્ષી પુરે, મિલનદિવસ ના દૂર.
મિલનદિવસ ના દૂર તમારો ખરે હવે છે,
આત્મા મારો આર્ત બનેલો એમ કહે છે;
ધન્યતા મને આ વખતે તો મળી જવાની,
સંભળાવશો જરૂર મુજને મધુરી વાણી.
વરસોની આરાધના સાચે સફળ થશે,
આ વખતે તો દર્દ ને સંકટ સર્વ જશે.
સંકટ સકળ જશે જીવનનાં આ વખતે તો,
બડભાગી ના હશે જગે મારા સરખો કો’;
કૃપા તમારી વરસી રે’શે મુજ પર ન્યારી,
તનમનઅંતરને સત્વર તે દેશે તારી.
પધારજો આ વખત તો ‘પાગલ’ પાસ જરૂર,
લોચન હરખે, અંતરે પ્રકટે રસનું પૂર !
- © શ્રી યોગેશ્વરજી

