સૌ સાધનનો સાર, પ્રેમ છે.
પ્રેમ વિના ના કોઈ સમજે આ જીવનનો સાર,
લાખ ઉપાયે પામી ન શકે ભવસાગરનો પાર ... પ્રેમ છે.
જ્ઞાનયોગના માર્ગ અનેરા, તીખા તપના તાર;
વ્રત ને કર્મ પ્રબળ બહુ તોયે પ્રેમ વિના બેકાર ... પ્રેમ છે.
ઉપાસનાના આડંબરમાં અટવાયે બહુ કાળ;
પ્રેમમાર્ગમાં પગલું ન ભરે તે ન પહોંચે પાર ... પ્રેમ છે.
પવિત્ર દિલના પ્રકાશજેવો સુખનો છે આગાર;
પ્રકટ થાય છે પાપ પ્રજળતાં શાંતિ પારાવાર ... પ્રેમ છે.
પ્રેમરહિત સાધકજન કૈંયે ખૂબ જ ખાધો માર;
તરી ગયા પ્રેમીજન સ્હેજે, કરી ગયા ઉદ્ધાર ... પ્રેમ છે.
‘પાગલ’ પ્રાર્થે બે કર જોડી, છે મારો નિરધાર,
પ્રેમસુધાથી સભર કરી દો, થાય પછી ના હાર ... પ્રેમ છે.
- © શ્રી યોગેશ્વરજી

