હૈયે હેત ભરી, અંગે તેજ ધરી,
આજે આંગણે મારે આવો … મને પ્રેમપિયાલો પિલાવો.
વદને સજતાં સ્મિત ચારુ,
નયને ભરતાં મધુ ન્યારું,
બધે ગંધ ભરી, મધુ શબ્દ કરી,
તમે આવો … મને પ્રેમપિયાલો પિલાવો.
લઈ રૂપ ખરે રઢિયાળું,
વળી અંગ સુવાસિત સારું,
મને શાંતિ ધરો, વળી ધન્ય કરો,
તમે આવો … મને પ્રેમપિયાલો પિલાવો.
જોવા તમને સદાયે ચહું છું,
કાલાં ઘેલાં કૈં ગીતો કહું છું;
માની મોતીમણિ, સુપ્રસન્ન બની,
તમે આવો … મને પ્રેમપિયાલો પિલાવો.
જીવું એકલ આ જગમાં હું,
સાથ સાચો તમારો ચહું છું;
મને સાથ ધરો, બધો થાક હરો,
તમે આવો … મને પ્રેમપિયાલો પિલાવો.
તમે દીનબંધુ કહેવાઓ,
કેમ દીનતા ના જ મિટાવો ?
નાથ, છાયા ધરો ને સનાથ કરો,
તમે આવો … મને પ્રેમપિયાલો પિલાવો.
પહેલાંય કૃપા તો કરી છે,
કિન્તુ તરસ બધી ન ટળી છે;
કૃપા થાય ફરી, એવી આશ ભરી;
તમે આવો … મને પ્રેમપિયાલો પિલાવો.
જોઊં રૂપને આંખ ભરીને,
કરું વાત ઉમંગ કરીને;
એવી આશ લઈ, બેઠો આર્ત થઈ;
તમે આવો … મને પ્રેમપિયાલો પિલાવો.
પાર વિનાના પ્રેમની પ્યાલી,
મારી મુખમાં કરી દો ખાલી;
વિષ સર્વ મરે, હેતુ સકળ સરે;
તમે આવો … મને પ્રેમપિયાલો પિલાવો.
- © શ્રી યોગેશ્વરજી

