સંત-સ્વરૂપે રે પ્રભુ પોતે આવિયા રે લોલ,
પાર ઉતારી રે તૂટી-ફૂટી હોડલી રે લોલ.
ડગમગતી નાવડીનું સુકાન લીધું સ્નેહથી રે લોલ;
કામ ને ક્રોધનાં વહેણ વ્હાલ ધરી વાળિયાં રે લોલ...સંતસ્વરૂપે...
પ્રતિકૂળ પવન પ્રચંડ વ્હાલે વશ કરી દીધા રે લોલ;
સ્થિર કરી જીવનની નાવ ભવદુઃખ ભાંગિયા રે લોલ...સંતસ્વરૂપે...
સંતકૃપાની રે વરસી રહી વાદળી રે લોલ;
હોડલી હંકારી રે અલખના દેશમાં રે લોલ...સંતસ્વરૂપે...
MP3 Audio
રચના સમયના મનોભાવો
પ્રભુ માનવરૂપ ધરીને કદી પધારે ખરો ? પ્રત્યુત્તરમાં એટલું તો કહી જ શકાય કે, સાધકની શ્રદ્ધાભક્તિ સાચી હોય તો એને મળેલા સંત-પુરુષના શરીરમાં જ દિવ્યસ્વરૂપે પ્રભુદર્શન થઈ શકે છે.
જીવનમાં સાચા સંતનો પ્રવેશ અવનવી સૃષ્ટિનું સર્જન કરે છે. શ્રેય અને પ્રેયની વચ્ચે ઝોલાં ખાતા જીવનને સંત જ કૃપા કરીને સ્થિર બનાવે છે. સાધકની સર્વ અશુદ્ધિઓને સંતપુરુષ સ્નેહથી સ્વચ્છ કરે છે. પ્રતિકૂળ પરિસ્થિતિની વચ્ચે પણ સંતપુરુષ સર્વપ્રકારે અનુકૂળતા ધરી શકે છે.
અંતે જન્મમરણના ફેરામાંથી પણ શરણાગત સાધકને સંત પોતાની વિશેષ શક્તિથી મુક્ત કરી દે છે.
સંતો કેવી અનંત કરુણા કરે છે, કૃપાવર્ષા કરે છે ! કૃપાપાત્ર બનેલી જીવનનાવને આત્માના અલૌકિક, અવર્ણનીય પ્રદેશમાં, સંત જ પહોંચાડી દે છે.
આ પદમાં સાચા સંતનું જીવનકાર્ય વર્ણવાયું છે. સંતના એવા અદભુત કાર્યથી સાધક સંતને પ્રત્યક્ષ પ્રભુ જ માને એમાં શું આશ્ચર્ય ? સાધકના જીવનનો પ્રત્યક્ષ અનુભવ આ રીતે શબ્દોમાં ઊતરી આવ્યો.

