ગુરુદેવના શ્રીચરણમાં,
કોઈ હવે ચિંતા નથી,
કોઈ હવે ભીતિ નથી (2)...ગુરુદેવના...
વડલા તણી છાયા મળી,
એમાં શીતળતા ચંદ્રની;
મીઠી પરબ સત્સંગની,
જીવન-સફરમાં એ મળી (2)...ગુરુદેવના...
મમતાળુ માવલડી મળી,
છેવટે સ્વીકારી સ્નેહથી;
શાંતિ પરમ સંતોષથી,
નિશ્ચિંત કીધી જિન્દગી (2)...ગુરુદેવના...
ગુરુસ્મરણની મસ્તી મહીં,
સૃષ્ટિ સનાતન સ્વર્ગની;
વૃષ્ટિ થતી ઉલ્લાસની,
હોળી થઈ સંતાપની (2)...ગુરુદેવના...
પુણ્યોદયે પૂરવ તણા,
સત્સંગનો લ્હાવો મળ્યો;
સુખ સાંપડયું, શાંતિ મળી,
મુક્તિ તણી ચિંતા ટળી (2)...ગુરુદેવના...
MP3 Audio
રચના સમયના મનોભાવો
પૂર્વના પુણ્યો, પ્રભુની કૃપા ને જીવના પ્રબળ પુરુષાર્થના સુપરિણામ સ્વરૂપે કોઈ પ્રભુદર્શી સદગુરુ મળી જાય, તો પછી સદગુરુનાં શ્રીચરણે જીવને સંપૂર્ણ નિશ્ચિંતતાનો અનુભવ સહજ રીતે જ થાય છે.
મને પણ પરમ પ્રભુકૃપાએ બ્રહ્મદર્શી સંતપુરુષ સદગુરુરૂપે પૂજ્ય શ્રી યોગેશ્વરજી મળી ગયા ત્યારે એમના સથવારે મને પણ નિશ્ચિંતતાનો અનુભવ થયો, જે આ પદમાં વ્યક્ત થયો છે.
જીવનની સફરમાં ગુરુ જ્ઞાનરૂપી વડલાની છાયા છે, શાંતિરૂપી શીતળ ચંદ્ર છે, સત્સંગરૂપી પરબ છે.
ગુરુનું સ્મરણ જ પ્રભુદર્શન કરાવનારું બની ગયું. સર્વસંતાપોની હોળી થઈ ગઈ. ઉલ્લાસ-આનંદની સૃષ્ટિનું સર્જન થઈ ગયું.
હવે શાની ચિંતા ? મુક્તિ મળી ગઈ. સુખ સાંપડયું. પરમશાંતિ છવાઈ ગઈ. હવે તો સંપૂર્ણ નિશ્ચિંતતા અનુભવવા મળે છે. કોઈ નાની-મોટી ચિંતા કે ડર સતાવતા નથી.
આ પદ ગુરુજીનાં શ્રી ચરણે થયેલા અનુભવનું કથન કરે છે.

