આવ્યાં આંગણે, આવ્યાં આંગણે....
નામસ્મરણની સાધના કરતાં, ગુરુ ગોપાલની સાથે અમે;
પ્રભુપંથનાં પગલાંને, સંપૂર્ણ બનાવી સ્વીકારો તમે,
વંદના...વ્હાલથી...આવ્યાં...
પ્રેમે પકડજો હાથ અમારો, શરણાગત-સ્વામી પ્રભુ હે !
વિલંબ ના કદી શોભે તમને, ભીડ ભક્તની ભાંગો હવે,
ભાવથી...ભેટજો...આવ્યાં...
પ્રેમે-પીતાંબર પહેરી પધારો, પ્રેમે-ચુંદડી પહેરી અમે,
મીઠા મધુરા સ્નેહલ સાદે, બોલાવી દોઃ શાંતિ મળે,
નમન હો....નેહનાં...આવ્યા...
આશા-ઉમંગ સાથ સ્નેહથી, આવ્યાં પવિત્ર આંગણિયે,
દાન દિવ્યદર્શનનું આપો, આજ દયાના સાગર હે !
દુઃખ હરો....દીનનાં...આવ્યા...
MP3 Audio
રચના સમયના મનોભાવો
શિષ્યોનું વૃંદ, ભક્તોનું મંડળ નામજપ કરતું કરતું પોતાના ગુરુદેવની સાથે પ્રભુને મળવા જઈ રહ્યું છે. તે ભક્તોના અંતરની ભાવના આ પદમાં વ્યક્ત થઈ છે.
પ્રથમ તો પ્રભુપંથને પૂર્ણ કરીને સ્વીકારી લેવાની વિનંતી થાય છે.
ભક્તોનો હાથ શરણાગતવત્સલ શ્રીપ્રભુ વિના વિલંબે પકડશે અને ભક્તોની ભાવનાને પૂર્ણ કરશે.
ભગવાન પ્રેમનું પીતાબંર પહેરીને ભક્તોને અપનાવશે, કારણ કે ભક્તોએ પ્રભુપ્રેમની જ ચુંદડી ઓઢી છે.
આશા ને ઉમંગ સાથે ભક્તવૃંદ આવ્યું છે તો, હે પ્રભુ ! તેને તમારા દિવ્યદર્શનનું દાન આપો. આપ તો દયાના સાગર છો, તો અમારું જે દુઃખ છે તેને હરી લો - એવી પ્રાર્થના આ પદમાં થઈ છે.

