વંદન વ્હાલા શ્રીપ્રભુચરણે,
આવ્યાં બાળ તમારે શરણે.
તનમન સ્વસ્થ પ્રસન્ન કરી દો,
આશીર્વાદ અમોઘ ધરી દો...વંદન...
નામસ્મરણમાં ચિત્ત લગાડો,
પ્રભુપ્રેમની મસ્તી જગાડો...વંદન...
મમતા મૂળ કલેશ કૈં કાપો,
પવિત્રતા ને સ્થિરતા આપો...વંદન...
પૂર્ણ મુક્ત ને શાંત બનાવો,
સંપૂર્ણ ધરો જીવન-લહાવો...વંદન...
MP3 Audio
No audio available
રચના સમયના મનોભાવો
બાળક બનીને પ્રભુનાં શ્રીચરણે જઈએ તો પ્રભુ પરમપિતા બનીને આપણી પ્રાર્થનાને સાંભળે છે. બાળક પ્રભુ પાસે શું માગે? - એનું વર્ણન આ પદમાં કરવામાં આવ્યું છે.
એમાં જીવનના પરમકલ્યાણ માટેની સૂક્ષ્મ માંગણી કરવામાં આવી છે. પ્રભુની ભક્તિ કરવા તનમનની સ્વસ્થતા પણ જરૂરી છે. સ્વસ્થ તનમનથી થતી પ્રાર્થના જલદી સંભળાય, એથી જ પ્રથમ તનમનની સ્વસ્થતાને પ્રભુ પાસે માંગી લેવી.
પ્રભુના નામની મસ્તી જીવનમાં જાગી જાય. વળી, મમત્વનાં સર્વ મૂળિયાં કપાઈ જાય. પ્રભુ માટે પરમપવિત્ર બની શકાય. એવી યોગ્યતાની યાચના કરાઈ છે.
જીવન પૂર્ણ બની જાય, પરમશાંતિ પ્રાપ્ત થઈ જાય, જીવન ધન્ય બની જાય....એવી પ્રાર્થના થતી રહી.

