Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

તમારે માટે યુગોથી કોણ જાણે કેમ,
આટઆટલો વહે છે મારે હૈયે પ્રેમ,
તર્ક શકે સમજી ના, બુદ્ધિ પંગુ જેમ,
ઉકેલી શકે તમારા રહસ્યને કેમ ?

મારે માટે ઊગી ગયું દિવાળી-પ્રભાત,
અંધારું ટળી ગયું ને ધન્ય થઈ જાત,
જ્યારથી તમારો મને થયો છે મેળાપ,
ચિંતાની ચિતા થઈ છે, ટળી ગયા તાપ.

તમારી જ આજુબાજુ મનડું ભમે,
તમારાં જ ચરણોમાં રંગમાં રમે,
તમારા વિના ન કયાંયે પ્રાણને આરામ,
તમારા વિના કાંઈના જીવનમાં કામ.

વહી જાય ઝરણાં આ જંગલમાં જેમ,
જીવન મારું આ વહે મુક્ત બની તેમ,
તમારી આરાધનાના આનંદે નહાય,
પૂજાફૂલ થઈ થઈ વાણી રોજ ગાય.

'પાગલ’શો પ્રાણ ભલે ધન્યતામાં ન્હાય,
જીવન આખુંયે ભલે ઉત્સવશું થાય,
તમારા વિના રહે ના અંતરમાં કોય,
તમારી જ પાસે મારું કૈવલ્ય છો હોય.

- શ્રી યોગેશ્વરજી