કિનારે તૈયાર ઊભી છે સફર કરવા,
કૈંક હોડી; કૈંક માંડી તેમ ડગ ભરવા;
અન્ય કોઈ સફર કરતી ફરે છે જલમાં,
વાયુ સાથે વહે કેવી સિંધુના જલમાં !
કોક રોકાઈ રહી, કોઈક અથડાઈ,
ખડક સાથે; કોક આંધીમાં જ અટવાઈ;
કોક બડભાગી કિનારે જઈને બેઠી,
સફળ કરતાં સફર, ચિંતાને મૂકી હેઠી.
હજારો હોડી હજારો જિંદગી એવી,
સફર કરવાને મળી સંસારમાં કેવી !
કોક તો રમતી કિનારે, કોક માર્ગ કરે,
કોક અટવાઈ પ્રલોભનોમાં જ વ્યર્થ મરે;
કોક આંધીમાં ફસાતી, દ્વંદ્વમાં રમતી,
એક બે ભાગ્યે જ આખર મુક્ત પૂર્ણ થતી.
- શ્રી યોગેશ્વરજી

