Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

એવરેસ્ટ થકી ઉંચા એકાકી શિખરે તમે,
સમાધિ મગ્ન બેઠાં છો; વાયુ જ્યાં મધુરો રમે.
હિમપર્વતમાં વ્યાપી શાંતિ સર્વત્ર શીત જ્યાં,
પદ્મશાં લોચનો બીડી બેઠાં છો આત્મલીન ત્યાં.

ત્યાં આવતી આતુર એક કન્યા,
વિષાદમાં મગ્ન છતાં ય ધન્યા;
ભેટી પડે તે તમને ત્વરાથી,
સંતાનની સ્નેહભરી અદાથી !

ઉઘડે આંખ ને ઢાળે અમીધારા અનંત ત્યાં;
ઉચ્ચારો વચનો મીઠાં તમે ભાવભરેલ શાં !
શબ્દ સંગીત ગંગાના રૂપમાં પ્રકટી તમે,
કન્યાની સાથ ચાલો છો પીગળી પ્રેમથી તમે.

પ્રસન્નતા પ્રકૃતિ આજ ધારે,
પૃથ્વી વળી આરતિ શી ઉતારે !
દિશા બધી હર્ષ થકી ભરાયે,
ને પ્રેમથી 'પાગલ' શી જણાયે !

શબ્દસંગીત ગંગા હું તમારું જ સ્વરૂપ છું;
કન્યા પ્રીતિ-કરુણા તે; ગૂઢ આમાં નથી કશું !
આકર્ષણ થકી એના સ્વેચ્છાએ જન્મતાં જગે,
શ્વાસ સ્નેહભર્યો લો છો મારા રૂપે યુગે યુગે !

- શ્રી યોગેશ્વરજી