વર્ષ જાયે એક બીજું સ્થાન લે એનું,
સનાતન સંસારમાં જીવન રહ્યું કેનું ?
જાય જૂનું, નવું આવે, ચક્ર ચાલે છે,
માનવી ઇચ્છે ન ઇચ્છે તોય ચાલે છે !
જુઓ વર્ષા વીતતાં આ શરદ છે આવી,
હજી હમણાં તો હશે હેમંત પણ ફાવી,
શિશિર તેમ વસંત પાછી ગ્રીષ્મની ચાવી,
ફેરવાયે નિયતિ તાળે અલગ કૈં ચાવી.
ઋતુ પછી ઋતુ અન્ય આવે સ્થાન લે એનું,
સનાતન સંસારમાં અસ્તિત્વ છે કેનું ?
ઉષા સૂર્યોદય વળી મધ્યાન્હ સાંજ પડે,
સાંજ પણ પાછી શમે છે અંધકાર વડે;
તારલાની માળ સાથે રાત આવે છે,
પ્રકટ થાય પ્રભાત, પાછું તેમ ચાલે છે.
રાતદિનનો ક્રમ નિરંતર સ્થાન લે એનું,
સનાતન સંસારમાં જીવન રહ્યું કેનું ?
હરખ પૂરો થાય ના ત્યાં શોક આવે છે,
મૃત્યુ થાયે ત્યાં જ મંગલ ગીત ગાયે છે;
જોડલી સુખદુઃખ ને આરોગ્ય-રોગ તણી,
એમ જોડી જાય આવે એક સાથ ઘણી.
પતનને ઉત્થાન પૂરે, સ્થાન લે એનું,
સનાતન સંસારમાં અસ્તિત્વ છે કેનું ?
બાલપણ યૌવન બને, યૌવન જરા થાયે,
તે વિલીન બને વળી નવજીવન જાયે;
બીજ તરુથી ફળફૂલ ને બીજ પાછું થાય,
જલદ સાગરથી બનીને સાગરે જ સમાય.
વિરહજ્વાળા, મિલન-છાયા સ્થાન લે એનું,
સનાતન સંસારમાં જીવન રહ્યું કેનું ?
એટલા માટે કરાવી યાદ આવી વાત,
નિરુત્સાહ બને રડે શોકિત ન થાયે જાત;
નવા જીવનની રહે આશા સદા ભરપૂર,
ખંત શ્રદ્ધા યત્નમાં માનવ રહે ચકચૂર.
નિત્ય નૂતન સનાતન તમને જ પામે જે,
ચક્રથી છૂટી સનાતન સ્થાન પામે તે;
કાળ, ગુણ ને અવસ્થાથી પર બની જાયે,
તમારો જે બને તેને ભય નથી કાંયે.
એટલે તો મિલન માંગુ તમારું ઊજળું,
તમારી જ કૃપા તમારી પ્રીતમાં ઉછરું !
વર્ષ જાયે એક બીજું સ્થાન લે એનું,
સનાતન સંસારમાં જીવન રહ્યું કેનું ?
- શ્રી યોગેશ્વરજી

