ભયંકર ખૂબ ખરે ભમરો.
ડંખે ત્યારે દર્દ કરે છે ભારેખમ ભમરો ... ભયંકર
તોડી નાખે કઠિન કાષ્ઠને, પાડે છેદ ખરો,
બળવાન ઘણો ગણાય એ તો, ખૂબ કહ્યો કપરો ... ભયંકર
કમલ પાસ પરવશ પણ થાયે, બલ સઘળું વિસર્યો;
પૂરાયો ત્યાં પુષ્કળ પ્રેમે, પાછો ના જ ફર્યો. ... ભયંકર
તેમ બલી પણ મોહિત થાયે રૂપ તમારે હો;
કમલથકી કોમલ લોચનમાં કેદ ન થાયે કો ? ... ભયંકર
પ્રેમપ્રભાવ કહ્યો છે એવો સંતોએ સઘળો;
મધુરતાતણી અજબ મોહિની, નેહ નશો મધુરો. ... ભયંકર
આતમ નિર્બળ છેક જ સાચે પ્રેમાસક્ત થયો,
અચરજ તેથી લેશ થશે ના, તમને ફકત વર્યો. ... ભયંકર
- શ્રી યોગેશ્વરજી

