જાગ જીવનમાંથી બંધ બધા પરહરવાને,
છોડ આળસ આતમની મુક્તિને વરવાને.
છોડી આશ બધાની ઈશ્વરની સેવ આશા રે,
સાચો દાસ થઇ જા તો પૂરે અભિલાષા રે ... જાગ.
મદ ને મમતાને તું માર, મોહિત થા ન કો’થી રે,
મનનો પૂર્ણ કરી લે શિકાર, લડીશ ન કો’થી રે.
સાધ સ્નેહ કરી સતસંગ સંસારથી તરવાને,
સેવ સજ્જન સેવક સંત શાંતીમાં મળવાને ... જાગ.
સંત સાચા કહ્યા ગંગ જેવા, ત્રિવિધતાપ ટાળતા રે,
ઈચ્છા પૂરી કરે સઘળા, મૃત્યુ ભય મારતા રે.
મોંઘું જીવન વીતી જાય, ફરી નહિ આવે આ,
નદીનીર વહેતા જાય, ફરી કેમ આવે હા ! ... જાગ.
શ્વાસોશ્વાસ સાધી લે સ્નેહ થકી પ્રભુની સાથે,
બની ‘પાગલ’ ધન્ય થશે ભક્તિને બાંધી ગાંઠે ... જાગ.
- શ્રી યોગેશ્વરજી


Comments